ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.
લોકોમાં વધી રહેલા રોષને જોતા સરકારે હવે આર્મીને પણ એલર્ટ કરી છે.રાજાશાહીના સમર્થનમાં થઈ રહેલા દેખાવોની આગેવાની દુર્ગા પરસાઈ કરી રહ્યા છે.જેઓ પોતે એક વ્યવસાયી છે અને અગાઉ માઓવાદી પણ રહી ચુકયા છે.
દુર્ગા પરસાઈએ કહ્યુ હતુ કે, વર્તમાન શાસન વ્યવસ્થા સામે જનતા વિદ્રોહ કરી રહી છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે લોકો સામે સરેન્ડર કરીને લોકોની ઈચ્છા પ્રમાણે રાજાશાહીને ફરી લાગુ કરવી જોઈએ.નેપાળને નેતાઓ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે.બેન્કો, સરકારના નિગમો અને નાણાકીય સંસ્થાઓ લોકોનુ શોષણ કરી રહી છે.અમે ઈચ્છીએ છે કે, લોકોની 20 લાખ રુપિયાથી ઓછી લોનને પણ માફ કરવામાં આવે.