કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ એ આવનારા 25 વર્ષોમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જન પ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત તમામ નાગરિકોને કર્તવ્યનિષ્ઠ બની દેશના વિકાસમાં પ્રામાણિક પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષોમાં સરકારની જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓના માધ્યમથી આજે દેશના નાગરિકોમાં વિશ્વાસ ઊભો થયો છે. કિસાન સન્માન નિધિ, માતૃ વંદના, આયુષ્માન ભારત વગેરે યોજનાઓને લીધે જન સુખાકારીમાં વધારો થયો છે અને નાગરિકોમાં સરકાર પ્રત્યે ભરોસો વધ્યો છે. વીજળી,પાણી, રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને વીમા સહિતની સુવિધાઓને કારણે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી લોકોમાં સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃતિ આવશે અને છેવાડાના માણસો સુધી તમામ લોકોને યોજનાઓનો ફાયદો મળશે તેવો વિશ્વાસ મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિકસિત ભારત યાત્રા અંતર્ગત આપણે સૌ નવા વર્ષે નવો સંકલ્પ કરીએ તેમજ પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરાવ્યો તેનાથી લોકોને વિવિધ યોજનાઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા તેમજ છેવાડાના માનવીને વિવિધ યોજનાનો લાભ પહોચાડવાનું કામ કર્યું છે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી દેશની પ્રગતિને ઊંચાઈએ લઈ જવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. છેલ્લા ૧૦ વર્ષના સમયમાં વિદેશનીતિ, સરહદી સુરક્ષા, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ, ત્રીપલ તલાક, શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત, જેવી વિવિધ સહાય દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવાનો પ્રધાન મંત્રીશ્રીનો પ્રયત્ન સફળ રહ્યો છે. ગરીબો વંચિતોના સામાજિક ઉત્થાન માટે રોજગારીની તકો વધારી ઘેર ઘેર લાભો પહોચાડયા અને નલ જે જલ યોજનામાં ઘેર ઘેર પાણી પહોંચાડ્યું છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉત્તરસંડા ગામના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉત્તરસંડા તથા ખેડા જિલ્લાનું નામ રોશન કરનાર ક્રિકેટ, કરાટે અને કુસ્તીના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથોસાથ મહિલાઓને સ્વરોજગાર પૂરો પાડનારનું પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ અવસરે ઉત્તરસંડા ગામને ODF પ્લસ ગામ તરીકે મોડેલ ગ્રામ પંચાયત બનાવવા માટે ઉત્તરસંડામાં સરપંચ ઈશિત પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ઉત્તરસંડા સરપંચ, નડિયાદ પ્રાંત અધિકારી, ભાજપ જિલ્લા પ્રમુખ, જિલ્લાના અગ્રણી સહિત અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.