સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી હતી. વહેલી સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા.
શ્રાવણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયે વિશેષ શણગાર ધારણ કર્યો હતો. જગન્નાથ મંદિરમાં સવારે મંગળા આરતી બાદ ભગવાનને શૃંગાર ધરાવાયો હતો. જેમાં સવા કરોડનો મોટો મુગટ તેમજ સોના ચાંદીના વિશેષ અલંકાર ધરવામાં આવ્યા હતા. વિશેષ શણગારમાં રાજાધિરાજના દિવ્ય દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.