રીલ્સ અથવા યુટ્યુબ શોર્ટ્સ જેવા ટૂંકા વીડિયો આજના યુવાનો અને બાળકોમાં મનોરંજનનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયા છે. થોડા મિનિટનો આનંદ આપતા આ વીડિયો જોવામાં લોકોને એટલું મન લાગી જાય છે કે સમયનો ખ્યાલ જ રહેતો નથી. પરંતુ તાજેતરના સંશોધનો એ ગંભીર ચેતવણી આપી છે કે આ ‘નિર્દોષ મનોરંજન’ વાસ્તવમાં મગજ માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે સતત સ્ક્રોલિંગથી મગજમાં તે જ ભાગ સક્રિય થાય છે જે દારૂ પીતા, જુગાર રમતા અથવા નશીલા પદાર્થો લેતા સમયે કાર્યરત થાય છે. એટલે કે, ટૂંકા વીડિયો માત્ર વ્યસન જ પેદા નથી કરતા પરંતુ મગજની કામગીરીને ખોરવીને લાંબા ગાળે ડિમેન્શિયા જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે.
રીલ્સ કેવી રીતે મગજને અસર કરે છે?
ચીનની તિઆનજિન નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસર કિયાંગ વાંગના માર્ગદર્શન હેઠળ થયેલા અભ્યાસમાં જણાયું છે કે સતત ટૂંકા વીડિયો જોવાથી મગજનો મિસોલિમ્બિક પાથવે અથવા રિવોર્ડ સિસ્ટમ અતિશય સક્રિય થઈ જાય છે. આ જ સિસ્ટમ આનંદ અને પ્રેરણાની લાગણી માટે જવાબદાર છે. સામાન્ય રીતે સ્વાદિષ્ટ ભોજન, સંગીત કે પ્રિયજનો સાથે સમય વિતાવવાથી આ સિસ્ટમ સક્રિય થાય છે અને મગજમાં ડોપામાઇન નામનું રસાયણ મુક્ત થાય છે, જે આનંદની અનુભૂતિ કરાવે છે. પરંતુ જ્યારે વારંવાર રીલ્સ જોવાની ટેવ પડી જાય છે, ત્યારે આ સિસ્ટમ પરત-પરત ઉત્તેજિત થવા લાગે છે. થોડા સમય પછી મગજને સામાન્ય વસ્તુઓથી આનંદ મળતો નથી અને તે વધારે સ્ક્રોલિંગ કરવાની માંગ કરે છે. આ જ સ્થિતિને ડિજિટલ વ્યસન કહેવામાં આવે છે.
પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ અને હિપ્પોકેમ્પસ પર અસર
સતત રીલ્સ જોનારા લોકોમાં મગજના બે મહત્વપૂર્ણ ભાગ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે:
- પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ – આ ભાગ નિર્ણય લેવાની, ધ્યાન કેન્દ્રિત કરવાની અને સ્વ-નિયંત્રણની ક્ષમતા ધરાવે છે. સતત સ્ક્રોલિંગ તેને ઓવરલોડ કરી નાખે છે, જેના કારણે વ્યક્તિનું ધ્યાન ભંગ થવા લાગે છે, કામ પ્રત્યે ઉત્સાહ ઘટે છે અને સ્વ-નિયંત્રણ નબળું પડે છે. ખાસ કરીને 26-27 વર્ષની ઉંમર સુધી આ ભાગ વિકસતો રહે છે, તેથી ટીનએજર્સ અને યુવા પેઢી પર તેની અસર સૌથી વધારે જોવા મળે છે.
- હિપ્પોકેમ્પસ – આ ભાગ યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા સંભાળે છે. રાત્રી દરમિયાન વધારે સ્ક્રોલિંગ કરવાથી ઊંઘની ગુણવત્તા ઘટે છે, જેના કારણે હિપ્પોકેમ્પસ પર દબાણ પડે છે. પરિણામે ટૂંકા ગાળાની યાદશક્તિ ઘટે છે, ભૂલ થવાની સંભાવના વધે છે અને શૈક્ષણિક કે વ્યાવસાયિક પ્રદર્શન ખરાબ થવા લાગે છે.
ડોપામાઇન અને વ્યસનનું ચક્ર
ડોપામાઇન એ મગજનું “આનંદ હોર્મોન” કહેવાય છે. પરંતુ જ્યારે તે અસામાન્ય પ્રમાણમાં મુક્ત થાય છે, ત્યારે મગજ પરત પરત આનંદ મેળવવા માટે તે જ ક્રિયાની માંગ કરવા લાગે છે. આ જ કારણ છે કે લોકો “એક વીડિયો પછી બીજો” જોવા માટે મજબૂર થઈ જાય છે. શરૂઆતમાં મનોરંજન માટે જોવામાં આવતાં વીડિયો બાદમાં ડિજિટલ નશાનું સ્વરૂપ ધારણ કરે છે. દારૂ પીવાથી મળતો ક્ષણિક આનંદ કે જુગાર રમવાથી થતો રોમાંચ જેવો જ આનંદ ટૂંકા વીડિયો આપી શકે છે. ફરક એટલો જ છે કે દારૂ મગજ પર સીધી ન્યુરોટોક્સિક અસર કરે છે, જ્યારે રીલ્સ મગજની રિવોર્ડ સિસ્ટમને બગાડી નાખે છે.
આરોગ્ય પર પડતી વ્યાપક અસર
- ધ્યાન ભંગ: અભ્યાસ અથવા કામ દરમિયાન એકાગ્રતા જાળવી રાખવી મુશ્કેલ બને છે.
- ઊંઘની સમસ્યા: રાત્રે મોબાઇલ પર સ્ક્રોલિંગ કરવાથી મગજને આરામ નથી મળતો, પરિણામે ઊંઘ અધૂરી રહે છે.
- યાદશક્તિમાં ઘટાડો: ખાસ કરીને ટૂંકા ગાળાની યાદશક્તિ પર પ્રતિકૂળ અસર પડે છે.
- માનસિક સ્વાસ્થ્ય: ડિપ્રેશન, ચિંતા અને એકલતાની લાગણીઓ વધી શકે છે.
- સામાજિક જીવન પર અસર: રિયલ લાઇફ સંબંધો કરતા વર્ચ્યુઅલ દુનિયા વધારે મહત્વપૂર્ણ લાગવા લાગે છે.
કેટલો સમય સલામત?
વિજ્ઞાનીઓ કહે છે કે ચોક્કસ “સલામત મર્યાદા” નક્કી નથી, પરંતુ દરરોજ 2 કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ (ખાસ કરીને રીલ્સ અને શોર્ટ્સ માટે) આરોગ્ય માટે જોખમી ગણાય છે. જો નિયંત્રણ ન રાખવામાં આવે તો આ ટેવ ધીમે ધીમે ડિજિટલ ડિમેન્શિયામાં પરિવર્તિત થઈ શકે છે – એવી સ્થિતિ જેમાં વ્યક્તિને યાદશક્તિ, ધ્યાન, પ્રેરણા અને નિર્ણયક્ષમતા સાથે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
રીલ્સ અને શોર્ટ્સ મનોરંજન માટે સારાં હોઈ શકે છે, પરંતુ તેનું અતિરેક મગજને ખોરવી નાખે છે. જેમ દારૂ અને જુગારથી વ્યક્તિ જીવનમાં નિયંત્રણ ગુમાવે છે, તેમ સતત સ્ક્રોલિંગ કરનાર પણ ધીમે ધીમે પોતાની ક્ષમતાઓ ગુમાવતો જાય છે. તેથી, મર્યાદિત ઉપયોગ, સમયનું સંચાલન અને ડિજિટલ ડિટોક્સ જેવા પગલાં જરૂરી બની ગયા છે, નહીં તો આવનારા સમયમાં આ “ડિજિટલ નશો” સમાજ માટે એક મોટા આરોગ્ય સંકટનું કારણ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel