ભારતનો પ્રાચીન ઇતિહાસ માત્ર તેની ભૂમિ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વના દૂરસ્ત પ્રદેશોમાં પણ તેના પ્રભાવના પુરાવા જોવા મળે છે. તાજેતરમાં મિસ્ર (ઇજિપ્ત)ની પ્રસિદ્ધ ‘વેલી ઓફ કિંગ્સ’માં મળેલા લગભગ 2000 વર્ષ જૂના શિલાલેખોએ ભારત અને મિસ્ર વચ્ચેના પ્રાચીન વેપાર, સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ શોધે વિશ્વભરના ઇતિહાસકારો અને પુરાતત્વવિદોમાં ઉત્સાહ જગાવ્યો છે.
30 શિલાલેખોની ઐતિહાસિક શોધ
સ્વિટ્ઝર્લેન્ડની લોઝેન યુનિવર્સિટીના પ્રોફેસર ઇંગો સ્ટ્રાઉચ અને ફ્રાન્સના પ્રોફેસર શાર્લોટ શ્મિડના સંશોધન દરમિયાન કુલ 30 શિલાલેખો મળી આવ્યા છે. આ શિલાલેખો મિસ્રની પ્રાચીન પથ્થર કોતરીને બનાવેલી કબરોમાં જોવા મળ્યા છે. જેમાંથી 20 શિલાલેખો પ્રાચીન તમિલ-બ્રાહ્મી લિપિમાં છે, જ્યારે બાકીના 10 સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. આ શોધ ખાસ મહત્વની માનવામાં આવે છે, કારણ કે ભારતમાં પણ આ પ્રકારના શિલાલેખોની સંખ્યા મર્યાદિત છે.
‘સિકાઈ કોર્રાન’ નામના વેપારીનો રસપ્રદ ઉલ્લેખ
આ શિલાલેખોમાં ‘સિકાઈ કોર્રાન’ નામના વ્યક્તિનો ઉલ્લેખ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. આ તમિલ વેપારીએ અલગ-અલગ કબરોમાં પોતાના નામના અનેક ઉલ્લેખ કરાવ્યા છે. એક શિલાલેખમાં “સિકાઈ કોર્રાન અહીં આવ્યો અને જોયું” જેવી નોંધ જોવા મળે છે, જે દર્શાવે છે કે તે માત્ર વેપારી જ નહીં પરંતુ પ્રવાસી પણ હતો. ઇતિહાસકારો માને છે કે આ વ્યક્તિ ચેરા રાજવંશ સાથે જોડાયેલો હોઈ શકે છે.
સમગ્ર ભારત સાથેના પ્રાચીન સંપર્કના પુરાવા
શિલાલેખો માત્ર દક્ષિણ ભારત સુધી મર્યાદિત નથી. સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા લેખો દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ભારત અને ગુજરાત સહિતના વિસ્તારોમાંથી પણ લોકો મિસ્ર જતા હતા. એક લેખમાં ‘ક્ષહરાત’ રાજાના દૂતનો ઉલ્લેખ મળવાથી સ્પષ્ટ થાય છે કે વેપારીઓ સાથે રાજદ્વારી સંબંધો પણ મજબૂત હતા.
વેપાર અને સંસ્કૃતિનો વૈશ્વિક સેતુ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતીય વેપારીઓ માત્ર દરિયાઈ બંદરો સુધી મર્યાદિત નહોતા, પરંતુ મિસ્રના આંતરિક ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો સુધી મુસાફરી કરતા હતા. તે સમય દરમિયાન ભારતીય મરી-મસાલા, ખાસ કરીને કાળા મરી, રોમન સામ્રાજ્યમાં ખૂબ લોકપ્રિય હતા. લાલ સમુદ્રના બંદરો અને થેબ્સ વિસ્તારમાં મળેલા પુરાવાઓ દર્શાવે છે કે ભારત પ્રાચીન સમયમાં જ એક મોટી આર્થિક શક્તિ હતું.
આ શોધ સાબિત કરે છે કે ભારત અને મિસ્ર વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ ભાષા, સંસ્કૃતિ અને રાજદ્વારી સ્તરે પણ ગાઢ જોડાણ હતું. મિસ્રની પિરામિડ અને પ્રાચીન કબરોમાં મળેલા ભારતીય શિલાલેખો ભારતની પ્રાચીન વૈશ્વિક હાજરીના જીવંત સાક્ષી બની રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom