સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કરવામાં આવ્યું.
ઈશ્વરિયા ગામમાં સામાન્ય ગૃહિણીમાંથી મધ્યાહ્ન ભોજન અને ગામમાં આંગણવાડી સંચાલક બાદ ઘર બેઠા અભ્યાસ કરીને સંકલિત બાળવિકાસ યોજના સિહોર કચેરીમાં નિરીક્ષક બન્યાં, સિહોર આંગણવાડી વિભાગ કચેરીમાં ફરજ પરનાં વડા પણ બન્યાં અને તેમનાં કાર્યક્ષેત્રમાં આંગણવાડીઓમાં સરકારની યોજનાઓ સાથે સમાજને જોડવાનું સુંદર કામ કરનાર હેમાબેન દવે નિવૃત્ત થતાં સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું નિવૃત્તિ સન્માન અભિવાદન કરવામાં આવ્યું.
સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, તાલુકા પંચાયત અધિકારી વામનભાઈ ગોસ્વામી, કિશોરસિંહ ગોહિલ તેમજ આંગણવાડી પરિવાર દ્વારા વિદાય લેતાં હેમાબેન દવેનું બહુમાન કરવામાં આવેલ અને આ પ્રસંગે અગ્રણી કરણસિંહ મોરી, મૂકેશકુમાર પંડિત તેમજ ચીમનભાઈ દવે અને આંગણવાડી પરિવારની બહેનોએ ભાવસભર તેઓનાં કાર્યની પ્રશંસા કરી શુભકામનાઓ પાઠવી.
સન્માનિત હેમાબેન દવેએ તેમના પ્રતિભાવમાં આભારની લાગણી વ્યક્ત કરવા સાથે આ બહેનોને આંગણવાડીમાં આવતાં બાળકોને વાત્સલ્ય સાથે સાચવવા અનુરોધ કર્યો અને સામાજિક સંઘર્ષોનો હિંમત સાથે સામનો કરવાથી સફળતા મળતી હોવાનું જણાવ્યું.
કુમારી આશિકા રાઠોડના સંચાલન સાથે સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ધ્રુવભાઈ મહેતા, શિવમભાઈ દવે, દુર્ગાબેન બાબરિયા, રીટાબેન શુક્લ, સવિતાબેન ગોહિલ, નયનબેન પંડ્યા, રાજેશ્વરીબા સરવૈયા સાથે સ્મિતાબેન ચૌહાણ સહિત તાલુકાની આંગણવાડી પરિવારની બહેનોએ ઉષ્માભરી વિદાય આપી. આ પ્રસંગે કાર્યકર્તા અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી અભિવાદન કરેલ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared