છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સુકમા અને દંતેવાડામાં પોલીસનું સર્ચ ઓપરેશન
સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું છે કે, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ નક્સલી ઘાયલ થયા છે, આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અથડામણ સુકમા અને દંતેવાડા પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી છે. એસપી કિરણે પુષ્ટિ કરી છે કે આ કાર્યવાહી સુકમા ડીઆરજી અને દંતેવાડા ડીઆરજીમાં સીઆરપીએફ 2જી બટાલિયન અને સીઆરપીએફ 111 બટાલિયન સાથે કરવામાં આવી છે.
આ પહેલા બીજાપુરમાં પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક ડીઆરજી જવાન ઘાયલ થયો હતો. ઘટનાસ્થળે 3 IED વિસ્ફોટના પણ અહેવાલ મળ્યા હતા. આ પહેલા 17 ડિસેમ્બરે પણ નક્સલવાદીઓએ સુકમામાં સેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનો એક જવાન શહીદ અને અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.