ભાજપ દ્વારા ચાલેલા સદસ્યતા અભિયાનમાં સુરતની વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ મેદાન માર્યુ છે. સૌથી વધુ સભ્યો બનાવનાર ટોચના ૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ હતી જેમાં સુરત શહેર જિલ્લાના ૫ ધારાસભ્યોનો સમાવેશ થાય છે .
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલ્યું હતું જેમાં ધારાસભ્યોને એમના મતદાન ક્ષેત્રોમાં સભ્યો બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. મિસ્ડ કોલથી આ સભ્યો બનાવવામાં આવ્યા હતા. આ સભ્ય નોંધણીમાં રાજયમાં સૌથી વધુ સભ્યો બનાવનાર પ્રથમ ૧૦ ધારાસભ્યોની યાદી પ્રદેશ ભાજપ દ્વારા જારી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરના ચાર જ્યારે જિલ્લાના એક ધારાસભ્યએ સ્થાન મેળવ્યું છે. એમાં પણ ચાર ધારાસભ્યો તો નવસારી સંસદીય લોકસભા વિસ્તાર હેઠળની બેઠકોના છે.
પ્રદેશ ભાજપ દ્વારા જે ટોપ-૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ એમાં પ્રથમ ક્રમે જેતપુરના જયેશ રાદડિયા, બીજા ક્રમે શહેરાના જેઠા આહીર, નડિયાદના પંકજ દેસાઈ, ચોથા ક્રમે મજુરાના હર્ષ સંઘવી, પાંચમા ક્રમે વાગરાના અરૂણસિંહ રણા, છઠ્ઠા ક્રમે લીંબાયતના સંગીતા પાટીલ, સાતમે ક્રમે ચોર્યાસીની સંદીપ દેસાઈ, આઠમા ક્રમે ઉધનાના મનુ પટેલ, નવમા ક્રમે માંડવીના કુંવરજી હળપતિ તથા દશમા ક્રમે રાપરના વિરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
સદસ્યતા અભિયાનના ટોપ-૧૦ ધારાસભ્યોમાં દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે. ૬ ધારાસભ્યો સ્થાન પામ્યા છે. જેમાં સુરત શહેરમાંથી જે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે એ ધારાસભ્યો સુરત શહેર વિસ્તારના તો છે પરંતુ તેમનો સંસદીય લોકસભા વિસ્તાર નવસારી લાગે છે કે જયાંથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.