નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમવારથી (22 સપ્ટેમ્બર) શરૂ થતી નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી નિરાંતે ગરબા રમી શકે તેવી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યભરમાં આયોજિત ગરબા મહોત્સવોમાં પોલીસ અથવા સ્થાનિક પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારનો બિનજરૂરી હસ્તક્ષેપ નહીં થાય. આ માટે ગુજરાત પોલીસના તમામ જિલ્લા વડાઓ તેમજ શહેરોના પોલીસ વડાઓને પહેલેથી જ સ્પષ્ટ સૂચનાઓ પાઠવી દેવાઈ છે, જેથી ગરબાના શોખીનો નિરાંતે માતાની આરાધનામાં લીન રહી શકે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે, ખાસ કરીને મહિલા ખેલૈયાઓ અને યુવતીઓને સુરક્ષા સંબંધિત કોઈ પણ સમસ્યા ન થાય તે પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે. તેમણે પોલીસ દળને આ દિશામાં જરૂરી સુરક્ષા પગલાં લેવા અને સ્થળ પર પૂરતી તૈનાતી રાખવા માટે નિર્દેશો આપ્યા છે. રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને પણ આ તહેવારમાં પૂરતો વેપાર કરવાની તક મળી રહે તે માટે બજારો અને મેળા વિસ્તારોમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકાયો છે.
મા અંબાની ભક્તિ,
ઓપરેશન સિંદૂરની શક્તિ,
આત્મનિર્ભર બનીએ નસ-નસથી,
મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરાં હકથી..#Navratri #Gujarat pic.twitter.com/Y1m1TLLhNV
— Harsh Sanghavi (@sanghaviharsh) September 21, 2025
ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવરાત્રિના પાવન માહોલને ભંગ કરનારી કોઈપણ પ્રકારની અયોગ્ય ઘટનાઓ, ઉશ્કેરણીજનક ગીતો કે ભક્તિની ભાવનાને ઠેસ પહોંચાડે એવા કાર્યોને પોલીસ કડકાઈથી અટકાવશે. રાજ્ય સરકારનું ધ્યેય એ છે કે નવ દિવસ સુધી ચાલતા આ ઉત્સવ દરમિયાન ગુજરાતના દરેક ખૂણે શાંતિપૂર્ણ, ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાય, જેમાં ખેલૈયાઓ નિર્ભયતાથી રાસ-ગરબા રમી શકે, વેપારીઓને વ્યાપારિક લાભ મળે અને મા અંબાના ભક્તિભાવ સાથે રાજ્યભરમાં ઉત્સવની ઝળહળતી ઉજવણી થાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel