નડિયાદ – બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” સંવાદના માધ્યમથી મહોત્સવના મંચ પરથી રજૂ થયો.
તા.૦૩/૧૨/૨૦૨૩ ના રોજ ૨૫૦ કરતાં વધારે પાત્રોનો સમાવેશ કરતો સાંસ્કૃતિ કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” શરૂઆત થઈ ત્યાં જ, પ્રેક્ષકગણ ભૂતકાળના અતીતમાં સરી ગયો. જેમ જેમ સંવાદની રસધાર આગળ વધતી ગઈ તેમ-તેમ સત્સંગમાં નવી અને જૂની પેઢીનો પ્રેક્ષક ગણ નડિયાદી અને વળી બી.એ.પી.એસ. સંસ્થાનો સત્સંગી હોવાનું ગૌરવ અનુભવતો રહ્યો.
નડિયાદ નગરના ગૌરવવંતા ઈતિહાસમાં ૨૪૪થી વધુ સાહિત્યકારોની લાંબી કતારમાં સિદ્ધહસ્ત લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની આ જન્મભૂમિ છે. આ ઉપરાંત બાલાશંકર કંથારીયા, મણિલાલ દ્વિવેદી, બકુલ ત્રિપાઠી, રમણલાલ યાજ્ઞિક, દોલતરામ પંડ્યા અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ તરીકે નડિયાદનું ગૌરવ અકબંધ છે.જૈનાચાર્ય શ્રીમદ રાજચંદ્રે “આત્મસિદ્ધિ” નામના શાસ્ત્રની રચના આ ભૂમિ પર કરી હતી. સેવા અને સત્કર્મની સરવાણી વહાવતા શ્રી સંતરામ મંદિર, શ્રી માઈ મંદિર, શ્રી હરિ ઓમ આશ્રમના ઓજસ હજુ પણ તેજસ્વી તારલાની જેમ ઝળકે છે.
સને ૧૮૦૮-૦૯ના અરસામાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે સૌ પ્રથમવાર પધાર્યા ધર્મધુરા ધારણ કર્યા બાદ સતત ૧૧ વખત પધારીને સ્વામિનારાયનીય સત્સંગના બીજ રોપીને જાણે સદાય માટે મોક્ષની પરબ બાંધી દીધી, પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ કરુણાના પગલે પગલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને ત્યારબાદ પ્રત્યેક ગુરુવર્યોએ દેહની પરવા કર્યા વિના સતત વિચરણ કર્યું છે. બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે અનેકવાર નડિયાદ પધારીને “ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર”ની મોરલી વગાડી હતી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે “અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન” માટે અપાર દાખડો સહન કર્યો હતો. અહીના ખ્યાતનામ સાક્ષર શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યાને આ વૈદિક ઉપાસના દ્રઢ કરાવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નડિયાદ મંડળને એક સૂત્રે બાંધી અનેકવાર લાભ આપ્યો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અપાર વિચરણ કરીને નાનામાં નાના હરિભક્તને ઘરે પધરામણી કરી, વ્યક્તિગત મુલાકાતો આપી અનેકના પ્રશ્નોનાં નિવારણ આપ્યા છે. વર્તમાન ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે અનેક વાર કથા-પધરામણી-મુલાકાત આપીને હરિભક્તો માટે અસહ્ય દાખડો કર્યો છે.
ઐતિહાસિક તવારીખ પરના આંકલન મુજબ “ગાથા નગર નડિયાદની” સંવાદના સમકાલીન પાત્રો અને તે સમયના મુખ્ય સંવાદો મંચ ઉપર પ્રસ્તુત થતાં હતા. તેમ તેમ ઇતિહાસના પાનાં ઉપરના એ મહાન નાયકોની પ્રેરક ગાથા, એમની ભક્તિ, સમર્પણની વિગતો શ્રોતાગણ સમક્ષ પ્રકાશ અને ધ્વનિના સંયોજન સાથે અસરકારક રીતે પ્રસ્તુત થતી હતી. સૌમાં અનેરો રોમાંચ વ્યાપી અને બી.એ.પી.એસ.ના હરિભક્ત તરીકે ગૌરવની લાગણી અનુભવાતી હતી.
શ્રોતાગણને આ ગાથા જોઈને પ્રતીતિ આવી કે નડિયાદ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને ગુણાતીત સત્પુરુષોએ અપાર દાખડો કરીને આ સત્સંગને ખીલવ્યો છે. એની ફળશ્રુતિ રૂપે ભગવાન ભજવાનું ખૂબ સુંદર સ્થાન મંદિર સંકુલ રૂપે પ્રાપ્ત થયું છે.
આ પ્રસંગે સંતો પૂજ્ય ગણેશદાસજી મહારાજ, મહંત સંતરામ મંદિર, ઉમરેઠ નિર્ગુણદાસજી મહારાજ, સંતરામ મંદિર, નડિયાદ, સત્યદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મહારાજ દેરી, સંતો મહંતો પધાર્યા હતા. ૧૧૦૦ થી વધારે હરિભક્તો અને પાંચ સંતો મહેળાવથી લાભ લેવા પધાર્યા હતા.
અત્યંત રોમાંચક ગાથાની પ્રસ્તુતિ બાદ સૌએ આરતીનો લાભ લીધો.પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને દર્શન આશીર્વાદ આપ્યા હતા. તેમજ સભામાં વીસ હજાર ઉપરાંત હરિભક્તોએ લાભ લીધો હતો.