સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન્સિયલ સાયબર સિક્યુરિટી તથા ડિજિટલ પેમેન્ટ ફ્રોડની ઘટનાઓમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકમાં બેન્કોને આ સંદર્ભમાં તેમની સિસ્ટમ અને પ્રક્રિયા વધુ મજબૂત બનાવવા જણાવાયું છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આગામી જાન્યુઆરી માસમાં આ મુદ્દે વધુ એક બેઠક યોજાશે.
આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ)ના ફ્રોડના કિસ્સામાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોને આ મામલે તપાસ કરવા અને ડેટા પ્રોટેક્શન મજબૂત બનાવવા કહેવાયું છે. બેઠકમાં વેપારીઓના કેવાયસીનું સમાન ધોરણ નક્કી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. સાયબર ફ્રોડને રોકવા માટે વિવિધ સંસ્થાઓ વચ્ચેનું સંકલન બહેતર કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ મંથન કરાયું હતું. જોશીએ જણાવ્યું હતું કે દેશના નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સમાજમાં આ અંગે જાગરુકતા ફેલાવવાની જરૂર છે.
તાજેતરમાં યુકો બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં થયેલા ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં લેતાં આ બેઠક ઘણી મહત્વની બની જાય છે. ચાલુ મહિને કોલકતા સ્થિત જાહેર ક્ષેત્રની યુકો બેન્કે ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ(આઈએમપીએસ)ના માધ્યમથી ભૂલથી ખાતેદારોના ખાતામાં ~ 820 કરોડ જેટલી જંગી રકમ ટ્રાન્સફર કરી દેતાં હોબાળો મચી જવા પામ્યો હતો. નવેમ્બર 10-13 દરમિયાન પોતાની આઈએમપીએસ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાનું યુકો બેન્કના ધ્યાને આવ્યું હતું. જેને પરિણામે આ ગોટાળો સર્જાયો હતો. આ ઘટના બાદ બેન્કે તરત જ ખાતેદારોના ખાતાં બ્લોક કર્યાં હતાં અને 649 કરોડ જેટલી રકમ એટલે કે આશરે 79 ટકા રકમ રિકવર કરવામાં સફળ રહી હતી. જોકે બેન્કે હજી સુધી એ સ્પષ્ટતા નથી કરી કે આ ટેકનિકલ ક્ષતિ માનવીય ભૂલનું પરિણામ હતી કે હેકિંગને લીધે આમ થયું હતું.