ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.
ફ્રાંસના ઉત્તરમાં આવેલા લિલે શહેરમાં સૌથી મોટી મુસ્લિમ સ્કૂલ એવરોઝ સ્કૂલ 2003થી ચાલે છે. જેમાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલ સાથે ફ્રાંસની સરકારનુ 2008થી જોડાણ છે. સ્કૂલમાં ફ્રાંસની સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમની સાથે સાથે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે.
જોકે ફ્રાંસની સરકારનુ કહેવુ છે કે, સ્કૂલ વહિવટી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. સ્કૂલમાં ફ્રાંસના જે મૂલ્યો છે તે પ્રમાણે વિદ્યાર્થીઓે ભણાવવામાં આવી રહ્યા નથી અને તેના કારણે સરકારે તેની સાથેનુ જોડાણ રદ કરવાનુ ન ક્કી કર્યુ છે. જોકે આ મુદ્દે વધારે જાણકારી આપવાનો ફ્રાંસના આંતરિક મંત્રાલયે ઈનકાર કર્યો છે.
જ્યારે સ્કૂલનુ કહેવુ છે કે, જોડાણ રદ કરવા અંગે અમારી પાસે કોઈ સત્તાવાર જાણકારી આવી નથી. જો સરકારે આવો નિર્ણય લીધો હશે તો તેને અમે કોર્ટમાં પડકારીશું. કારણકે અમારી સ્કૂલ બીજી સ્કૂલો કરતા પણ સારી રીતે ફ્રાંસના મૂલ્યો આધારિત અભ્યાસક્રમને ભણાવી રહી છે.
સ્કૂલ પ્રિન્સિપાલ એરિકે કહ્યુ હતુ કે ગત નવેમ્બર માસમાં શિક્ષણ સમિતિની બેઠક દરમિયાન મને અહેસાસ થયો હતો કે, ફ્રાંસની સરકાર અમારી સ્કૂલ સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી શકે છે. અમારા માટે સરકારની નાણાકીય સહાય વગર સ્કૂલ ચલાવવી મુશ્કેલ બનશે અને જો એ પછી સ્કૂલનુ સંચાલન કરવુ હશે તો ફી વધારવી પડશે.જેનો બોજો બાળકોના પરિવારો પર આવશે.