દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હેઠળ ૨૦૧૩ સુધી ચાલેલી કોંગ્રેસની સરકારના કામકાજની પણ તપાસ થશે.
સીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે જળબોર્ડમાં કૌભાંડના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી જળ બોર્ડમાં આર્થિક અનિયમિતતાના લગાવવામાં આવતા આરોપોના પગલે સીએજી તપાસનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે સીએજી ઓડિટથી બધુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેથી અમે ૧૫ વર્ષની કામગીરીનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. સીએજી દેશની સૌથી તપાસ સંસ્થા છે. જો કોઈએ ગડબડ કરી છે તો તેને સજા મળવી જોઈએ. જો ગડબડ નથી થઈ તો જે લોકો આરોપ મૂકી રહ્યા છે તેમને પણ ખબર પડી જશે.
દિલ્હી સરકારે આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે જળ બોર્ડ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપે આરોપ મૂક્યો હતો કે દિલ્હી જળ બોર્ડના ૧૦ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનમાં ભ્રષ્ટાચાર થયો છે. ભાજપે ૪૦૦થી ૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડનો આરોપ મૂકતા તપાસની માંગ કરી હતી. દિલ્હી ભાજવના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ એલજી વીકે સકસેનાને પત્ર લખી તપાસની માંગ કરી હતી.