આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સંસદીય બેઠકની સાતેય વિધાનસભાના બૂથ પ્રમુખોને માર્ગદર્શક સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગત વિધાનસભાની ચૂંટણીઓમાં કાર્યકરોની તાકાતને લીધે આપણે 182માથી 156 બેઠકો જીતી શક્યા છીએ એ જ રીતે આપણે વધુ મહેનત કરી ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાની છે. બૂથ પ્રમુખો અને પેજ પ્રમુખોનું સુવ્યવસ્થિત માળખું આપણી પાસે તૈયાર છે, જેનાથી આપણે લોકો વચ્ચે જઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યોના આધારે આપણે જવલંત વિજય તરફ આગળ વધવા સહુ કાર્યકરોને આહવાન કર્યું હતું. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટેની તંત્ર દ્વારા સુવ્યવસ્થા થવાની છે ત્યારે તે મતદારોનું પણ પૂરેપૂરું મતદાન થાય તે કાર્યકરોએ જોવાનું છે. આ સંમેલનમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ સંગઠનના સહુ હોદ્દેદારો, કાર્યકરો, બૂથ પ્રમુખોને ખેડા બેઠક સાત લાખ કરતા વધુ મતો થી જીતવા યોગ્ય માઈક્રો પ્લાનિંગ કરી દરેક બૂથ પર વધુને વધુ મત ભાજપ તરફી થાય તેવી વ્યવસ્થા કરવા કાર્યકરોને અપીલ કરી હતી.
આ સંમેલનમાં પ્રદેશ ભાજપમાંથી નરહરિભાઈ અમીન, ગોરધનભાઇ ઝડફિયા, ભુપેન્દ્રસિંહ ચૌહાણ, જયેંદ્રસિંહ ચૌહાણ,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી,અમૂલ ડેરી ચેરમેન, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અન્ય ધારાસભ્યો વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડા બેઠકના બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.