ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકન ક્રિકેટ બોર્ડ સામે મોટું અને કડક પગલું ભર્યું છે. ICCએ તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટ (USA Cricket)નું સભ્યપદ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એક વર્ષ સુધી ચાલી રહેલી સમીક્ષા, સતત ઉલ્લંઘનો અને ICCના બંધારણ હેઠળની ફરજો પૂર્ણ કરવામાં થયેલી નિષ્ફળતા બાદ લેવામાં આવ્યો છે. સત્તાવાર નિવેદનમાં ICCએ જણાવ્યું કે યુએસએ ક્રિકેટ વારંવાર નિયમોની અવગણના કરી રહ્યું હતું અને જરૂરી શાસન માળખું ઉભું કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને રાષ્ટ્રીય રમત સંસ્થા (National Governing Body-NGB) તરીકે કાર્યક્ષમ શાસન પદ્ધતિ અમલમાં મૂકવામાં તે નિષ્ફળ ગયું, તેમજ યુએસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક કમિટી (USOPC) સાથે સમન્વય સ્થાપવામાં પણ કોઇ પ્રગતિ દર્શાવી શક્યું નહોતું.
ICCએ વધુમાં ચિંતાવ્યક્ત કરી કે યુએસએ ક્રિકેટની આંતરિક ગડબડીઓ અને શાસન સંબંધિત સમસ્યાઓ માત્ર અમેરિકન ક્રિકેટ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ક્રિકેટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. સતત આંતરિક વિવાદો, નાણાકીય વ્યવસ્થાપનમાં ખામીઓ અને સંગઠનાત્મક પારદર્શિતાની કમીને કારણે ICC લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને આ “કમનસીબ પરંતુ જરૂરી” નિર્ણય લેવા મજબૂર બન્યું.
જો કે, ICCએ સ્પષ્ટતા કરી કે આ સસ્પેન્શનનો અસર યુએસએની રાષ્ટ્રીય ટીમો અથવા ખેલાડીઓ પર નહીં પડે. અમેરિકાની પુરૂષ અને મહિલા રાષ્ટ્રીય ટીમો ચાલુ ICC ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈ શકશે અને આવનારા મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ, જેમ કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક (LA28) માટેની તૈયારીઓ પર પણ આ નિર્ણયનો કોઈ સીધો પ્રભાવ નહીં પડે. પરંતુ યુએસએ ક્રિકેટ બોર્ડ હવે ICCના શાસન, નાણાકીય વ્યવસ્થાપન અને કાર્યપદ્ધતિને સુધારવા માટે કડક માર્ગદર્શિકાઓનું પાલન કરશે તો જ તેનું સભ્યપદ પુનઃસ્થાપિત થશે.
આ પગલું ક્રિકેટ વિશ્વ માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ICC પોતાની બંધારણીય ફરજો અને રમતના હિતોમાં કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. અમેરિકા જેવા વિકસતા ક્રિકેટ માર્કેટ માટે આ નિર્ણય મોટો ઝટકો છે, કારણ કે આગામી વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટના વિકાસ અને લોકપ્રિયતાને વધારવાના મોટા પ્લાન્સ ચાલી રહ્યા હતા, જેમાં ICC T20 વર્લ્ડ કપ 2024 જેવી મુખ્ય ટૂર્નામેન્ટનું આયોજન પણ શામેલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel