રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત – બચાવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે વરસાદ અને તેને લીધે ઉભી થયેલ પરિસ્થિતિ અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. વધુમાં જિલ્લા કલેક્ટરએ અત્યાર સુધીમાં કરવામા આવેલ વ્યક્તિઓ અને પશુઓના સ્થળાંતર અને રેસક્યુ વિશેની માહિતી રજૂ કરી હતી.
પ્રભારી મંત્રીએ વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય, વીજળી, રસ્તા, મકાનોની સ્થિતી અને ખેતી, પશુપાલન સહિતના જાન-માલને થયેલ નુકશાનની બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને વરસાદ બાદ વીજ પુરવઠો ઝડપથી પુર્વવત થાય તે બાબતની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. વધુમાં તેમણે આરોગ્ય સંદર્ભમાં પાણીજન્ય રોગો ઊભા ન થાય તેની ખાસ કાળજી રાખવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવાની સાથે પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને પગલે ગુજરાત સરકારની સતર્ક કામગીરીને કારણે વધુ વરસાદ હોવા છતા ન્યુનત્તમ કેઝુઅલ્ટી નોંધાઈ છે.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા વનસંરક્ષક, નિવાસી અધિક કલેકટર, ભાજપ જિલ્લા પ્રમુખ, જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.