આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક ટાળવાનો નિર્ણય કર્યો છે.
બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર , પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી , સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ને જુદા જુદા કારણોસર બેઠકમાં ઉપસ્થિત રહેવાનો ઈન્કાર કર્યો છે.
કોંગ્રેસ ટુંક સમયમાં બેઠક માટે નવી તારીખ જાહેર કરશે
કોંગ્રેસે કહ્યું કે, ગઠબંધનના તમામ પક્ષો સાથે વાતચીત કરી એક સપ્તાહમાં બેઠકની નવી તારીખ જાહેર કરાશે. વિપક્ષી દળના નેતાઓ સતત બેઠકોની વહેંચણી મુદ્દે INDIA ગઠબંધનની બેઠક યોજવા માંગ કરી રહ્યા હતા, જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 રાજ્યોની ચૂંટણીને ટાંકીને બેઠક ટાળી દીધી હતી. રવિવારે 4 રાજ્યોના અને સોમવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ખડગે 6 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજવાના હતા. 4 રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત થઈ છે, તો એક માત્ર રાજ્ય તેલંગણામાં કોંગ્રેસને જીત હાંસલ કરી છે, જ્યારે મિઝોરમમાં ZPM પાર્ટીની જીત થઈ છે.
કોંગ્રેસે જણાવ્યું કે, એમ.કે.સ્ટાલિન, મમતા બેનર્જી અને નીતીશ કુમારએ અંગત કારણોસર બેઠકમાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે. એમ.કે.સ્ટાલિને વરસાદના કારણે ચેન્નાઈમાં એરપોર્ટે બંધ હોવાનું કારણ આપી, નીતીશ કુમારે તબીયતનું તેમજ મમતા બેનર્જી જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કારણ આપી બેઠકમાં આવી શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું છે.