નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને પકડી પાડ્યો છે, જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. તપાસમાં ખુલ્યું છે કે ચૌરસિયા ભારતીય સિમકાર્ડની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યો હતો. તે મહારાષ્ટ્રના લાતુરમાં પોતાનું આધારકાર્ડ કઢાવીને, મહારાષ્ટ્ર અને બિહારના વિવિધ વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 16 સિમકાર્ડ ખરીદ્યાં હતાં. એમાંથી 11 સિમકાર્ડ પાકિસ્તાનના લાહોર જિલ્લાના બહાવલપુર શહેરમાં વોટ્સએપ પર સક્રિય જોવા મળ્યાં, જ્યાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક આવેલું છે. જૈશનું નેટવર્ક અનેક વખત ભારત વિરુદ્ધના આતંકી હુમલાઓમાં સંડોવાયેલું રહ્યું છે, અને તાજેતરમાં ભારતીય સેનાએ ઑપરેશન “સિંદૂર” હેઠળ આ નેટવર્કને મોટો ઝટકો આપ્યો હતો.
ચૌરસિયા આ સિમકાર્ડોને ભારતમાં સસ્તામાં ખરીદતો, તેને નેપાળ મોકલતો અને ત્યાંથી પાકિસ્તાનમાં ISIના એજન્ટોને સપ્લાય કરતો હતો. આ સિમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાંથી ભારત વિરુદ્ધ ગુપ્તચર માહિતી એકત્ર કરવા, સુરક્ષા તંત્રની હરકતો પર નજર રાખવા અને આતંકવાદી નેટવર્કને સંચાલિત કરવા થતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ચૌરસિયા મૂળ નેપાળના બીરગંજનો રહેવાસી છે અને તે લાંબા સમયથી પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં વસવાટ કરતો હતો. અગાઉ તે કાઠમંડુમાં વ્યવસાય કરતો હતો, પરંતુ ધંધો બગડતા તે ISIના સંપર્કમાં આવ્યો અને તેને અમેરિકન વિઝાની લાલચમાં આવીને આ ગેરકાયદેસર નેટવર્કનો ભાગ બન્યો.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ દરમિયાન આરોપીના પાસેથી અનેક સિમકાર્ડનાં બિલ, ડિજિટલ ઉપકરણો અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ACP કૈલાશ બિષ્ટ, નિરીક્ષક રાહુલ કુમાર અને વિનીત તેવતિયાની આગેવાની હેઠળ આ ઑપરેશન હાથ ધરાયું હતું. ચૌરસિયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 61(2)/152 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આ પણ સ્પષ્ટ કર્યું છે કે ચૌરસિયાના કૃત્યો સીધા-સીધા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા હતા, ખાસ કરીને ઑપરેશન સિંદૂર દરમિયાન, જ્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકી નેટવર્ક પર કાર્યવાહી થઈ રહી હતી અને આ જ સમયે પાકિસ્તાનમાં ભારતીય સિમકાર્ડ સક્રિય જોવા મળ્યાં હતાં.
હાલમાં ચૌરસિયાની પૂછપરછ ચાલુ છે, જેમાં તેના સાથીદારો અને આંતરરાષ્ટ્રીય કુરિયર નેટવર્કને ઓળખવા પર ભાર મુકાયો છે. તપાસ એ પણ શોધી રહી છે કે આ નેટવર્ક દ્વારા કેટલાં સિમકાર્ડો પહેલેથી જ પાકિસ્તાનમાં પહોંચી ચૂક્યાં છે અને તેઓનો ઉપયોગ કયા કયા હેતુઓ માટે થયો હતો. વિદેશી હેન્ડલરોની ઓળખ, પૈસાની અવરજવર, અને કયા ચેનલો દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આગળ ધપાવવામાં આવી રહી હતી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. સુરક્ષા એજન્સીઓ માટે આ કેસ ગંભીર ચેતવણી સમાન છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતને અસ્થિર કરવા માટે પાડોશી દેશોના નાગરિકોને કેવી રીતે લલચાવીને જાસૂસી નેટવર્ક ઉભું કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel