કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે.
ટ્રુડોએ કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત થાય તો તે ચિંતાજનક બાબત હશે.કારણકે અત્યારે તમામ દેશોએ ભેગા મળીને પર્યાવરણને બચાવવા માટે આગળ વધવાનો સમય છે.
ટ્રુડોએ કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જને લઈને ટ્રમ્પની જે વિચારધારા છે તે કેનેડા માટે જ નહીં પણ આખી દુનિયા માટે ખતરનાક છે.
ટ્રુડોના નિવેદન પાછળનુ કારણ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ તરીકેનો અગાઉનો કાર્યકાળ છે. આ દરમિયાન 2019માં ટ્રમ્પે પેરિસમાં થયેલા ક્લાઈમેટ ચેન્જ કરારમાંથી બહાર નીકળી જવાનુ એલાન કર્યુ હતુ અને ટ્રમ્પે કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જની આખી થીયરી જ બોગસ છે અને તેને ચીન દ્વારા વહેતી કરવામાં આવી છે. ક્લાઈમેટ ચેન્જ માટે થયેલા કરારની શરતોને ટ્રમ્પે અમેરિકાના હિતની વિરુધ્ધ ગણાવી હતી.
એમ પણ ટ્રુડો અને ટ્રમ્પના વ્યક્તિગત સબંધો પણ એટલા સારા નથી. ભૂતકાળમાં ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાનને નબળા અ્ને બેઈમાન નેતા ગણાવ્યા હતા.