શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવા પવિત્ર વ્રતોમાં જીવંતિકા માતાનું વ્રત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં બહોળા પ્રમાણમાં યોજાય છે. આ વ્રત માતાઓ દ્વારા તેમના સંતાનોના આયુષ્ય, આરોગ્ય અને સુખાકારી માટે રાખવામાં આવે છે. લોકવિશ્વાસ અનુસાર દેવી જીવંતિકા – જે દેવી દુર્ગાના રક્ષણાત્મક સ્વરૂપરૂપે પૂજાય છે – આ વ્રતથી પ્રસન્ન થઈ સંતાનોની રક્ષા કરે છે.
આ વ્રત સામાન્ય રીતે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ થાય છે, પણ અમુક વિસ્તારમાં બીજી તારીખે પણ રાખવામાં આવે છે. વ્રત દરમિયાન માતાઓ ઉપવાસ કરે છે, લાલ રંગના વસ્ત્રો પહેરે છે અને પીળાં રંગના વસ્તુઓનો ત્યાગ કરે છે. પૂજાના દિવસે માતા જીવંતિકાની મૂર્તિ કે ચિત્ર સમક્ષ પાંચ દીવા પ્રગટાવી આરતી કરવી, પુષ્પ, અગરબત્તી અને નૈવેદ્ય અર્પણ કરવો, તેમજ બાળકોના નામની દોરી બાંધી તેમને રક્ષાસૂત્રના સ્વરૂપમાં ધારણ કરાવવી એ આ વ્રતના મુખ્ય અંગો છે.
વિશ્વાસ છે કે આ વ્રતથી માતાની શ્રદ્ધા અને સત્કર્મો સંતાનોની દુર્ઘટનાઓથી રક્ષા કરે છે. લોકકથાઓ મુજબ પણ જીવંતિકા માતા પોતાના વ્રત કરનારી સ્ત્રીઓના બાળકોની રક્ષા કરતી હોય છે— વિધાતા સામે પણ. આ વ્રતની લોકકથા – એક રાજકુમારની જન્મગાથા અને તેની સગી માતા સાથેના પુનર્મિલનની વાત – ભારતીય સંસ્કૃતિમાં માતૃત્વના અનંત બલિદાન અને આશીર્વાદનું પ્રતિબિંબ છે.
શાસ્ત્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જીવંતિકા વ્રતનો ઉલ્લેખ મૂલગ્રંથોમાં ન હોય છતાં ‘દેવી ભાગવત પુરાણ’ અને ‘માર્કંડેય પુરાણ’ જેવી શાક્ત પરંપરાની ધારાઓમાં માતૃ શક્તિના રક્ષણાત્મક સ્વરૂપોનું જે વર્ણન છે, તેની સાથે આ વ્રતના તત્ત્વો સંકળાયેલા જણાય છે. વ્રત રાજ અને કથા સાહિત્યમાં આ વિધિનું વર્ણન જોવા મળે છે. આ ઉપરાંત, આ વ્રત લોકગીતો, મૌખિક પરંપરા અને લોકકથાઓના માધ્યમથી પણ પિઢીઓ સુધી જીવંત રહેલું છે.
આ વ્રત માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતીય સ્ત્રીના માતૃત્વ, શ્રદ્ધા, ત્યાગ અને રક્ષાત્મક ભાવનાનું જીવંત સ્વરૂપ છે. માતા જીવંતિકાનું વ્રત ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે અને આજે પણ હજારો સ્ત્રીઓ આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક નિભાવે છે – એક પ્રેમભર્યું આશીર્વાદ તરીકે, જે સંતાનના સુખી ભવિષ્ય માટે સમર્પિત છે.
લોકકથા
આ વ્રત કરનારા માતાઓએ માતા જીવંતિકાના વ્રતને સાંભળવાનું હોય છે. તે વ્રતને આપણે સામાન્ય રીતે લોકકથા કહી શકીએ છીએ. તે લોકકથાનો ઉલ્લેખ પણ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતો નથી, પરંતુ લોકસંસ્કૃતિ અને લોકગીતોમાં તેનો અઢળક ઉલ્લેખ જોવા મળી શકે છે. માતા જીવંતિકા વ્રતની લોકકથા નીચે મુજબ છે–
પ્રાચીન સમયની વાત છે. સુશીલકુમાર નામના ધાર્મિક રાજા અને તેની પત્ની સુલક્ષણા રાણી સુખી જીવન જીવતા હતા, પણ સંતાનસુખની ઝંખના તેમના હૃદયને કોરું રાખતી હતી. એક દિવસ, દાસી દાયણે રાણીને પુત્રની લાલચ આપી અને કહ્યું કે, ગામની એક બ્રાહ્મણી ગર્ભવતી છે, તેનું બાળક ચોરી કરીને રાણીને સોંપી દેવા માટે તે સક્ષમ છે. કારણ કે, તે વિસ્તારમાં દાયણ જ બધી મહિલાઓની સુવાવડ કરતી હતી. રાણીએ લાલચે દાયણને તે બ્રાહ્મણનું નવજાત બાળક લાવવા કહ્યું. દાયણે બાળક ચોરી લાવી રાણીને આપ્યું અને નગરમાં જાહેર થયું કે, રાજાને પુત્ર પ્રાપ્ત થયો! આનંદની લાગણીઓ વચ્ચે બ્રાહ્મણી પોતાના બાળકના વિયોગમાં ડૂબી ગઈ, પણ તેની શ્રદ્ધા માતા જીવંતિકાના વ્રતમાં અડગ હતી, જે તેના બાળકનું રક્ષણ કરતી હતી.
સમય વીતતો ગયો. બાળક મોટો થયો, રાજા અને બ્રાહ્મણનું અવસાન થયું અને યુવાન રાજકુમાર રાજગાદીએ બેઠો. પિતાના શ્રાદ્ધ માટે ગયાજી જતાં તે એક વાણિયાના ઘરે રોકાયો, જ્યાં છ દિવસનું નવજાત બાળક હતું. રાત્રે માતા જીવંતિકા રાજકુમારની રક્ષા માટે દરવાજે ઊભાં હતાં. ત્યાં વિધાતા આવ્યા, બાળકનું મૃત્યુ લખવા. પણ માતા જીવંતિકાએ રોકીને કહ્યું કે, “જ્યાં મારા પગ, ત્યાં અમંગળ નહીં!” વિધાતાએ માતાની આજ્ઞા માની, બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. વાણિયો આશ્ચર્યચકિત થયો, કારણ કે તેનાં બધાં બાળકો સાતમે દિવસે મૃત્યુ પામતાં હતાં. તેણે રાજકુમારનો પ્રતાપ માન્યો અને પાછા આવવાનો આગ્રહ કર્યો.
ગયાજી પહોંચી રાજકુમારે શ્રાદ્ધ કર્યું. પિંડદાન વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા, જેમાં તેણે પિંડ મૂક્યા અને રહસ્ય સાથે જ વિચારોમાં સરી પડ્યો. પાછા ફરતાં રાજકુમાર ફરી વાણિયાને ત્યાં રોકાયો, જ્યાં ફરી નવજાત બાળક હતું. રાત્રે વિધાતા આવ્યા અને માતા જીવંતિકાએ ફરી બાળકનું આયુષ્ય લખાવ્યું. વિધાતાએ માતાજીને પૂછ્યું કે, “તમે આ રાજકુમારનું રક્ષણ કેમ કરી રહ્યા છો?” તેમના જવાબમાં માતાએ કહ્યું કે, “તે રાજકુમારની માતા મારું વ્રત કરે છે, પીળાં વસ્ત્રો નથી પહેરતી, પીળા માંડવા નીચે નથી જતી, ચોખાનું પાણી નથી ઓળંગતી.” રાજકુમારે અર્ધજાગ્રત અવસ્થામાં આ તમામ વાતો સાંભળી લીધી હતી.
રાજ્યમાં પરત ફરી તેણે રાણીને પૂછ્યું કે, “મા તું કયું વ્રત કરે છે?” રાણીએ જણાવ્યું કે, તેઓ કોઈ વ્રત કરતા નથી. રાજકુમારને ખાત્રી થઈ ગઈ કે, આ તેની સગી માતા નથી. તેણે શ્રાવણના પહેલા શુક્રવારે નગરજનોને પીળાં વસ્ત્રો પહેરી જમવાનું આમંત્રણ આપ્યું. એક બ્રાહ્મણીએ પીળાં વસ્ત્રો પહેરવાની ના પાડી, કારણ કે તે જીવંતિકા વ્રત કરતી હતી. ત્યારબાદ રાજકુમારે તેમને બીજા વસ્ત્રો મોકલાવ્યાં. બ્રાહ્મણીના મહેલમાં પ્રવેશ સાથે જ ચમત્કાર થયો અને એકાએક બધાને ખ્યાલ આવ્યો કે, આ જ રાજકુમારની સગી માતા છે. આ સમગ્ર ઘટના બાદ રાણીએ રડતાં-રડતાં પોતાના ગુનાની કબૂલાત કરી માફી માંગી. તે પછી રાજકુમાર બ્રાહ્મણીને ભેટી પડ્યો અને તેમને મહેલમાં જ રાખવા લાગ્યો.
સાંસ્કૃતિક-ધાર્મિક મહત્વ
જીવંતિકા વ્રત ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિના મહિમાને દર્શાવે છે. આ વ્રત માતાના બાળકો પ્રત્યેના અપાર પ્રેમ અને બલિદાનનું પ્રતીક છે. ખાસ કરીને આ વ્રત દેવી દુર્ગાના રક્ષણાત્મક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, જે હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શક્તિ તરીકે ગણાય છે. ગુજરાતમાં આ વ્રતની પરંપરા અન્ય દેવી વ્રતો જેવી કે ‘જેષ્ઠા ગૌરી વ્રત’ અને ‘હરતાલિકા તીજ’ સાથે પણ જોડાયેલી છે, જે માતૃત્વ અને પરિવારની સુખાકારીનું મહત્વ દર્શાવે છે. લોકકથાઓ દ્વારા આ વ્રતનું મહત્વ આજે પણ જીવંત છે અને તે ભારતીય સમાજમાં માતૃશક્તિના આદરનું ઉદાહરણ પૂરું પાડે છે.