આ પ્રસંગે પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી.લીટ્.ની માનદ પદવી અર્પાઈ. સાથે જ યુનિવર્સિટીની 10 થી વધુ વિદ્યાશાખાઓના 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણચંદ્રકો એનાયત થયા.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની રહે છે અને સતત શીખવાની વૃત્તિ રાખે છે, તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે. તેમણે ભારતીય જ્ઞાન પરંપરા, ઋષિ સંસ્કૃતિ અને અધ્યાત્મજ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થ તરફ પ્રયાણ કરવા પ્રેરિત કર્યા.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રો. ઈન્દુમતી કાટદરેના બાળસાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. તેમણે સરસ્વતી શિશુમંદિર જેવી સંસ્થાઓના સંસ્કારાધારિત શિક્ષણને દેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી વદનસિંહ બોડાણા, ડૉ. કે.સી. પોરિયા, યુનિવર્સિટી કુલપતિ અને અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.