વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મુખ્ય આરોપી જુનેદ સલીમ સિંધીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ કાવતરામાં તેની માતા સાદિકા સલીમ સિંધી પણ સીધી રીતે સંડોવાયેલી હતી. પોલીસે સાદિકાની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જુનેદ રાજસ્થાન ભાગી ગયો હતો ત્યારે તેની માતા વડોદરામાં જ રહીને સમગ્ર કાવતરામાં મદદરૂપ બની હતી. ખાસ વાત એ છે કે, પોલીસે પહેલા જ સાદિકાને સ્ટેશન પર બેસાડીને આરોપીઓના લૉકેશન વિશે મહત્વની માહિતી મેળવી હતી, જે બાદ વડોદરા પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક સાધીને અજમેરમાંથી આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી. ધરપકડ સમયે આરોપીઓ પાસે ઠંડીમાં પહેરવા માટેનાં કપડાં પણ મળ્યાં હતાં, જે દર્શાવે છે કે તેઓ રાજસ્થાનમાંથી સીધા કાશ્મીર જવાની તૈયારીમાં હતાં.
પોલીસે આ કેસમાં અત્યાર સુધી સુફિયાન મન્સૂરી, શાહનવાઝ કુરેશી, જુનેદ ઉર્ફે મોટો મગર, હનીફ મલેક ઉર્ફે નાનો મગર, જુનેદ સલીમ સિંધી, સમીર શેખ, અનસ કુરેશી, સલમાન મન્સૂરી, સાદિકા સિંધી અને એક સગીર આરોપીને ઝડપી લીધા છે. બીજી બાજુ, જુનેદનો પિતા સલીમ સિંધી હજુ ફરાર છે અને તેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે તેના પર તંગ ઘેરાબંધી શરૂ કરી છે. સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને રાજસ્થાન પોલીસ વચ્ચે સુમેળ સાધીને કડક પગલાં લેવાઈ રહ્યા છે. આ ઘટનાને માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર જ નહીં પરંતુ સામાજિક સદભાવને ખલેલ પહોંચાડવા માટેના પૂર્વયોજિત કાવતરું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel