દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવામાં આવ્યું હતું. કેજરીવાલે પહેલેથી જ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે 30 ડિસેમ્બર સુધી વિપશ્યનામાં હાજરી આપશે, તેથી તેઓ ED સમક્ષ હાજર નહીં થઈ શકે.
કેજરીવાલે નોટિસ ગેરકાયદે બતાવીને નોટિસ પરત લેવાની માગ કરી હતી
શરાબ કૌભાંડ મામલે EDએ કેજરીવાલને સતત બીજી વખત સમન પાઠવ્યું છે. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસ ગેરકાયદે બતાવીને નોટિસ પરત લેવાની માગ કરી હતી. અને તેઓ ED સમક્ષ બીજીવાર પણ હાજર થયા નથી.
મનીષ સિસોદિયાએ 22 માર્ચ 2021નાં રોજ નવી શરાબ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ સરકાર લિકરના કારોબારમાંથી બહાર આવી છે, અને દારૂની સમગ્ર દુકાનો ખાનગી હાથોમાં ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો એવો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. અને અંતે હોબાળો વધી ગયો હતો તેથી 28 જુલાઈ, 2022 ના રોજ સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી દીધી હતી.