દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્યું હતું કે, ભાજપ (BJP) જો ચૂંટણી જીતશે તો અમિત શાહ (Amit Shah)ને વડાપ્રધાન બનાવશે અને ભાજપ બે મહિનાની અંદર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેશે, ત્યારે યોગી આદિત્યનાથે આજે ફતેહપુર લોકસભા બેઠક પર યોજાયેલી જનસભામાં કેજરીવાલના દાવાનો જવાબ આપ્યો છે અને તેમણે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સહિત આમ આદમી પાર્ટી પર નિશાન પણ સાધ્યું છે.
https://x.com/ANI/status/1791140123704541654
કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ : યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આજે સવારે સમાજવાદી પાર્ટી અને દિલ્હીની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના અધ્યક્ષો વચ્ચે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. હવે પ્રજા સપા, કોંગ્રેસ અથવા આપના નેતાઓને સાંભળવા માંગતી નથી, તેથી જ આ નેતાઓ આવી કોન્ફરન્સો યોજી પોતાની ખિંચડી પકાવી રહ્યા છે. જેલ જવાના કારણે રિએક્શન આવવાથી કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે. જ્યારે વ્યક્તિ જેલમાં જાય છે, ત્યારે કેટલીકવાર તે વ્યક્તિની બુદ્ધિ પલટાઈ જાય છે, કેજરીવાલને પણ આવું જ થયું છે અને તેમની બુદ્ધિ ભ્રમમાં પડી ગઈ છે.’
અન્ના હઝારે કેજરીવાલને ક્યારેય માફ નહીં કરે : યુપી મુખ્યમંત્રી
તેમણે કહ્યું કે, ‘જેલમાં ગયા બાદ કેજરીવાલને એવું લાગે છે કે, હવે હું ક્યારે જેલમાંથી બહાર નહીં નીકળી શકું. તેમને મુખ્યમંત્રી પદની એવી લાલચ લાગી ગઈ છે કે, તેઓ તેમની વાત મારા સાથે જોડી રહ્યા છે. હું એક વાત કહેવા માગું છું કે, તમારા જેલ જવાનો અનુભવ દિલ્હીવાસીઓ માટે ખુબ જ સુખદ છે, કારણ કે, તમે હાથમાં સાવરણી તો લીધી, પરંતુ અન્ના હજારે (Anna Hazare)ના સપાનાઓ પર પાણી ફેરવવાનું કામ જરૂરથી કર્યું. અન્ના હજારએ કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કર્યું અને તમે તે કોંગ્રેસને જ પોતાના ગળાનો હાર બનાવી પાપ કર્યું છે, તેથી અન્ના હજારે તમને ક્યારે માફ નહીં કરે.’
કેજરીવાલે શું કહ્યું હતું ?
યુપીની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલે યોગી આદિત્યનાથ અને અમિત શાહ અંગે મોટો દાવો કરી કહ્યું હતું કે, ભાજપ જો ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. ભાજપ બે મહિનાની અંદર યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના પદ પરથી પણ હટાવવાનું છે. તેમણે કહ્યું હતું કે, ‘હુ અહીં ચાર મુદ્દા પર વાત કરવા માગુ છુ. પહેલી એ કે આ ચૂંટણીમાં પીએમ મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે વોટ માગી રહ્યા છે. બીજી એ કે જો ભાજપ સત્તામાં આવી તો સીએમ યોગી આદિત્યનાથને 2-3 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. ત્રીજી એ કે તેઓ બંધારણ બદલવા જઈ રહ્યા છે એસસી, એસટીની અનામત હટાવવાના છે. ચોથી એ કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવી રહ્યુ છે.’
17 સપ્ટેમ્બર 2025એ નિવૃત્ત થશે પીએમ મોદી: કેજરીવાલનો દાવો
કેજરીવાલે પીએમ મોદીની નિવૃત્તિની ભવિષ્યવાણી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 સપ્ટેમ્બર 2025એ 75 વર્ષના થઈ જશે. પીએમ મોદીએ અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી બનાવતા 17 સપ્ટેમ્બર 2025એ તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને અત્યાર સુધી એ નથી કહ્યુ કે તેઓ 75 વર્ષ બાદ નિવૃત્ત નહીં થાય પરંતુ પીએમ મોદીએ એ નિયમ બનાવ્યો છે અને મને પૂર્ણ આશા છે કે તેઓ આ નિયમનું પાલન કરશે.’