બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, તેમને ચેસ્ટ ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
આશા ભોસલેનું 83 વર્ષ લાંબું સંગીતમય કારકિર્દી અદ્વિતીય રહ્યું છે. તેમણે 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. 1950-60ના દાયકાના સુવર્ણયુગથી લઈને આધુનિક પોપ અને ફ્યુઝન મ્યુઝિક સુધી, તેમણે દરેક પ્રકારના સંગીતમાં પોતાની છાપ છોડી હતી. ‘અભી ના જાઓ છોડકર’, ‘પિયા તુ અબ તો આજા’, ‘દમ મારો દમ’ જેવા અમર ગીતો આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે.
તેમણે લતા મંગેશકર જેવી દિગ્ગજ બહેનની હાજરી હોવા છતાં પોતાની અલગ ઓળખ બનાવી. તેમની વર્સેટિલિટી અને અનોખી સ્ટાઈલના કારણે તેઓ કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશ જેવા મહાન ગાયકોની હરોળમાં સ્થાન પામ્યા.
આશા ભોસલેએ માત્ર પરંપરાગત ગીતો જ નહીં પરંતુ કેબરે, પોપ, ગઝલ, કવ્વાલી અને વેસ્ટર્ન સ્ટાઈલના ગીતોમાં પણ પોતાનો દબદબો જમાવ્યો હતો. મધુબાલાથી લઈને રેખા, ઝીનત અમાન અને ઉર્મિલા માતોંડકર સુધીની અનેક અભિનેત્રીઓને તેમણે પોતાનો અવાજ આપ્યો હતો.
તેમના નિધનના સમાચાર સામે આવતાં જ દેશભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓ, સંગીતકારો અને બોલિવુડ સેલિબ્રિટીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. ચાહકો સોશિયલ મીડિયા પર તેમના પ્રિય ગીતો શેર કરીને ભાવભીની વિદાય આપી રહ્યા છે.
આશા ભોસલેના લોકપ્રિય ગીતો
આશા ભોસલેના લોકપ્રિય અને જાણીતાં ગીતોનું એક સર્વસામાન્ય લિસ્ટ બનાવવું બહુ જ અઘરું છે. આઠ દાયકાની કેરિયર દરમિયાન તેમણે અનેક વિવિધતાસભર ગીતો ગાયાં છે. લગભગ દરેક સંગીત ચાહકનું આશા ભોસલેના ગીતોનું જોનર પ્રમાણેનું પ્લેલિસ્ટ અલગ હોઈ શકે છે. તેમ છતાં પણ તેમનાં કેટલાંક જાણીતાં અને આજે સોશિય મીડિયા પર વધુ પોસ્ટ થયેલાં કેટલાંક ગીતો આ પ્રમાણે છે.
૧. પિયા તુ અભ તો આજા (કારવાં, ૧૯૭૧)
૨. દમ મારો દમ (હરે ક્રિષ્ણા હરે રામ, ૧૯૭૧)
૩. ચુરા લિયા હૈ તુમન (યાદો કી બારાત, ૧૯૭૩)
૪. યે મેરા દિલ (ડોન , ૧૯૭૮)
૫. ઓ હસિના જુલ્ફોવાલી ( તીસરી મંઝિલ , ૧૯૬૬)
૬. આજ કી રાત ( ડોન, ૧૯૭૮)
૭. ઇન આંખોં કી મસ્તી (ઉમરાવજાન, ૧૯૮૧)
૮. દિલ ચીઝ ક્યા હૈ ( ઉમરાવ જાન, ૧૯૮૧)
૯. યે ક્યા જગહ હૈ દોસ્તો ( ઉમરાવજાન, ૧૯૮૧)
૧૦. જરા સાહિબ જી (તીસરી મંઝિલ, ૧૯૬૬)
૧૧. ઉડે જબ જબ જુલ્ફેં તેરી (નયા દૌર ) , ૧૯૫૭)
૧૨. જાઇએ આપ કહાં જાએંગે (મેરે સનમ , ૧૯૬૫)
૧૩. દિલબર દિલ સે પ્યાર કરા (કારવાં, ૧૯૭૧)
૧૪. હંગામા હો ગયા ( અનહોની, ૧૯૭૩)
૧૫. રાત અકેલી હૈ ( જ્વેલથીફ, ૧૯૬૭)
૧૬. મેરા કુછ સામાન (ઈજાજત, ૧૯૮૭)
૧૭. કતરા કતરા (ઈજાજત, ૧૯૮૭)
૧૮. દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની ( ગ્રેટ ગેમ્બલર , ૧૯૭૯)
૧૯. મોનિકા ઓ માય ડાલગ ( કારવાં, ૧૯૭૧)
૨૦. રંગીલા રે ( રંગીલા, ૧૯૯૫)
૨૧. તનહા તનહા ( રંગીલા, ૧૯૯૫)
૨૨. રાધા કૈસે ના જલે ( લગાન, ૨૦૦૧)
૨૩. કહિં આગ લાગે ( તાલ, ૧૯૯૯)
૨૪. મેરે મહેબૂબ મેં ક્યા નહીં ( મેરે મહેબૂબ, ૧૯૬૩)
૨૫. પાન ખાયે સૈયાં હમારો (તીસરી કસમ), ૧૯૬૬)
૨૬. આઓ હુઝૂર તુમકો (કિસ્મત, ૧૯૬૮)
૨૭. પરદે મેં રહને દો (શિકાર, ૧૯૬૮)
૨૮. પિયા બાવરી (ખૂબસુરત, ૧૯૮૦)
૨૯. દિલ લે ગઈ લે ગઈ (દિલ તો પાગલ હૈ , ૧૯૯૭)
૩૦. દેખા તેરી મસ્ત નિગાહોં ( ખિલાડી, ૧૯૯૨)
વ્યક્તિગત જીવન અને કારકિર્દી:
આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં થયો હતો. તેમના પિતા દિનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. માત્ર 10 વર્ષની વયે તેમણે ‘માઝા બાલ’ ફિલ્મમાં ગાવાનું શરૂ કર્યું હતું.
તેમણે 16 વર્ષની વયે ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા. ત્યારબાદ તેમણે પોતાના સંતાનોને એકલા ઉછેર્યા. 1980માં તેમણે પ્રખ્યાત સંગીતકાર આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતા.
અત્યાર સુધી પણ તેઓ સંગીત ક્ષેત્રમાં સક્રિય રહ્યા હતા. 2023માં તેમના 90મા જન્મદિવસે દુબઈમાં લાઈવ કોન્સર્ટ કરીને તેમણે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમનું છેલ્લું ગીત ગોરીલાઝના આલ્બમ માટે બનાવાયું હતું, જે 2025માં રિલીઝ થયું હતું.
અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ:
આશા ભોસલેના અંતિમ દર્શન માટે ચાહકો મુંબઈના લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને જઈ શકશે. આવતીકાલે દાદરના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel