ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે માલદીવનાં ક્ષેત્રીય જળનું હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનો કરાર રિન્યુ નહીં કરવામાં આવે.
શું છે આ કરાર?
આ કરાર 8 જૂન 2019નાં રોજ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહનાં આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. કરાર અનુસાર ભારતને માલદીવનાં ક્ષેત્રીય જળનું અધ્યયન અને ચાર્ટ રીફ, લેગૂન, સમુદ્ર કિનારો, મહાસાગર ધારાઓ અને જ્વાળાઓનાં સ્તરનું હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પહેલો એવો દ્વિપક્ષીય કરાર હતો જે નવનિર્વાચિત માલદીવ સરકાર ઓફિશિયલ ધોરણે સમાપ્ત કરી રહી છે.
ભારતને આપવામાં આવી સૂચના
માલદીવનાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાં સાર્વજનિક નીતિનાં સચિવ મોહમ્મદ ફિરુજુલ અબ્દુલ ખલીલે ગુરુવારે પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કહ્યું કે મુઈજ્જૂ સરકારે હાઈડ્રોગ્રાફિક કરારને રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે. આ કરારની અવધિ 7 જૂન, 2024નાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, ” આ કરારની શરતો અનુસાર જો એક પક્ષ કરાર છોડવા ઈચ્છે છે તો કારારની સમાપ્તિનાં 6 મહિના પહેલા બીજા પક્ષને આ નિર્ણય અંગે સૂચિત કરવું પડશે. ફિરુજુલે કહ્યું કે ભારતને સૂચિત કરી દેવામાં આવ્યું છે કે માલદીવ આ કરારને આગળ વધારવા નથી ઈચ્છતું.”