ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ. ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્યું.
રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ‘ બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી’ ‘નાથ કૃપા અબ ગયઉ બિષાદા, સુખી ભયઉ પ્રભુ ચરન પ્રસાદા…’ ગાન કેન્દ્રમાં રાખી મોરારિબાપુ દ્વારા તીર્થસ્થાન ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આજની કથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ અને ચોપાઈ, છંદ સાથે સંગીતની મોજ સૌએ માણી.
રામકથાના આઠમાં દિવસે શિવ પાર્વતી તથા અન્ય સંવાદોમાં નિરૂપિત ચરિત્ર વર્ણન અને પ્રસંગોનું ગાન કરતાં મોરારિબાપુએ કથા એ ઔષધિ છે, તેનાથી વિષાદ દૂર થશે તેમ જણાવી સાથે શ્રોતામાં સુમતિ વગેરે ગુણો અનિવાર્ય ગણાવ્યાં અને આવાં શ્રોતા પાસે વક્તા ગોપ્ય કથા ખોલી શકે છે.
ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્યું. લોકમાન્ય તિલકજી દ્વારા ગણેશ ઉત્સવ સર્વત્ર વ્યાપ્યો તેવી જ રીતે તુલસીદાસજીના કારણે ગામ ગામ હનુમાનજી બિરાજ્યા હોવાનો ઉલ્લેખ કરી કોઈ પણ ગામમાં રામજી મંદિર જીર્ણોધ્ધાર કે નિર્માણ માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા સવા લાખ સહયોગની વાત ફરી કરી.
મોરારિબાપુએ આ સાથે જ સાધુના વેશમાં સનાતન ધર્મને હાનિ કરતાં તત્વોથી સાવધાન રહેવા અને ગણેશ, શિવ, શક્તિ વગેરેની ઉપાસનામાં ઝાંખપ ન લાવવા અનિવાર્ય શિખામણ આપી.
શ્રીમદ્ ભાગવતના સંદર્ભ દ્વારા શ્રી હનુમાનજીના ૧૧ સ્વરૂપો રેવત, અજ, ભવ, ભીમ, વામ, ઉગ્ર, વૃષભ, અજયેક પાદ, સર્પ, બહુરૂપ અને મહાન હોવાનું જણાવાયું.
આજની કથામાં અયોધ્યામાં રાજકુમારો રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ નામકરણ, ઋષિ વશિષ્ઠ, વાલ્મિકી ઋષિ યજ્ઞ, અહલ્યા ઉધ્ધાર, જનકપુર પુષ્પવાટિકા, સિતા સ્વયંવર અને ધનુષ્યભંગ સાથેના પ્રસંગોનું વર્ણન થયું.
રામકથા ‘માનસ ગોપનાથ’ પ્રસંગે સાધુ, સંતો, કથાકારો, સાહિત્યકારો અને કલાકારો વગેરે સાથે ભાવિકો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે.
ક્થા આયોજન સાથે જ હનુમંત હોસ્પિટલ દ્વારા અહીંયા આરોગ્ય શિબિરમાં શ્રોતા દર્દીઓની તબીબો કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેવા થઈ રહી છે. ક્થા શ્રોતાઓ માટે સુંદર રીતે પ્રભુ પ્રસાદ વ્યવસ્થા થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel