આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવેલી આ સુપરમાર્કેટમાં 350થી વધુ દુકાનો છે, જેમાં ઘણા વર્ષોથી વેપાર થઈ રહ્યો છે. હાલત એવી છે કે, થોડા સમય પહેલાં સુપરમાર્કેટના એક સ્લેબ તૂટી પડ્યાની ઘટના નોંધાઇ હતી, જેના પગલે તંત્રએ આ બિલ્ડિંગની સ્થિતી અંગે ગંભીરતા દાખવી છે. આ ઉપરાંત, તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે અને જુના બાંધકામ ધરાવતા સંકુલોમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આણંદ નગરપાલિકાએ આ સુપરમાર્કેટમાં આવેલી દુકાનોના લીઝ ધારકો અને ભાડે ધંધો કરતા વેપારીઓને નોટિસ પાઠવી છે, જેમાં જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં લેતાં ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 264(1) હેઠળ કાર્યવાહી કરાઈ છે. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, આ દુકાનોને 7 દિવસની અંદર ખાલી કરવી પડશે, કારણ કે બિલ્ડિંગનો ઢાંચો જૂનો અને જોખમકારક બની ગયો છે. નગરપાલિકાએ કહ્યું છે કે, કોઈ દુર્ઘટના બને તો તેના માટે દુકાનનો કબ્જેદાર જવાબદાર રહેશે.
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, જો લીઝ ધારકો દુકાનો ખાલી નહીં કરે તો નગરપાલિકા પોતાની રીતે કાર્યવાહી કરશે અને કોઈપણ પ્રકારની જાનમાલની નુકશાની માટે તંત્ર જવાબદાર રહેશે નહીં. આ કાર્યવાહી જાહેર સુરક્ષા માટે અનિવાર્ય હોવાનું જણાવતાં તંત્રએ તમામ દુકાનદારોને સહયોગની અપીલ પણ કરી છે.
આ તાત્કાલિક પગલાંઓના કારણે વેપારીઓ અને સ્થાનિક વણિકવર્ગમાં હડકંપ મચી ગયો છે. કેટલાક દુકાનદારો આ નિર્ણયને ફટાફટ અને એકતરફી ગણાવી રહ્યા છે, જ્યારે નગરપાલિકા તેનું દલીલ આપી રહી છે કે જાણમાલના રક્ષણ માટે આ પગલાં જરૂરી છે. સુપરમાર્કેટનું આ જૂનું બાંધકામ ભવિષ્યમાં વધુ નુકસાન ન સર્જે તે માટે તંત્ર હવે ઝડપી અને કડક કામગીરીના મૂડમાં છે.