આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા : આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ૪૮૫૯ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.
ગરૂડેશ્વર તાલુકાના વેલછંડી ગામે આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી કાંતાબેન તડવીએ તેમના પરિવાર સાથે વડાપ્રધાન ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોતાના આવાસમાં ગૃહ પ્રવેશ કર્યો.
રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ બનાસકાંઠા ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યવ્યાપી આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલય સંકુલ ખાતે ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ૪૮૫૯ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, દેશનો કોઈપણ નાગરિક પોતાના સપનાના ઘરથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ કર્યો છે તેના થકી ૨૦૨૪ ના વર્ષમાં દેશના પ્રત્યેક નાગરિક માટે સારી અને સગવડતાયુક્ત સ્વચ્છ ઘર મળી રહે તેને ચરિતાર્થ કરવાનું કામ થઈ રહ્યું છે. સેવા, સુશાસન, નીતિમત્તા અને દ્રઢ નિશ્ચયના મુખ્ય આધારસ્તંભો સાથે જોડાયેલી કેન્દ્ર અને રાજ્યની સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રત્યેક નાગરિકને રહેવા માટે સારું અને પાકું ઘર મળી રહે તેવો છે.
વધુમાં ધારાસભ્ય જણાવ્યું કે, આજના દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ કાર્યક્રમ થકી અસંખ્ય પરિવારોને પોતાના ઘરનું ઘર મળી રહ્યું છે. પાકા ઘરની સાથે તેમને શૌચાલય, વીજળી, પાણી, ગેસની સુવિધા મળી રહે તેવો આશય પણ રહેલો છે. વર્ષો જુનું જે નાગરિકોને સપનું હતું તે આજે સાકાર થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગામડાના લોકોને પણ શહેરના લોકો જેવી જ આવાસની સુવિધા ઉપલબ્ધ થાય અને ગામડાના લોકો પાકા ઘરોમાં રહી શકે તે માટે આ યોજના પાંચ વર્ષ સુધી કેન્દ્રની સરકારે અમલમાં મૂકી છે. આવનારા દિવસોમાં ત્રણ કરોડ જેટલા અવાસોનું બાંધકામ કરવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના નામે આવાસ બની રહ્યા છે જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મહિલાઓના નામ પર આવાસ આપીને તેમને મજબૂત કરવાનું કામ રાજ્ય અને કેન્દ્રની સરકારે કર્યું છે.
વધુમાં ધારાસભ્ય શ્રીમતી ડો. દેશમુખે ઉમેર્યું કે, આપણા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે પણ ડો. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, વિચરતી વિમુક્ત જાતિના ભાઈ-બાંધવો માટે પણ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, હળપતિ આવાસ યોજના અમલી છે. ત્યારે આવનારા દિવસોમાં જે કોઈ નાગરિકો આ યોજનાથી વંચિત રહી ગયા હોય તેમને યોજનાનો વાભ મળે તે માટેનું આયોજન સરકાર અને વહીવટી તંત્ર સાથે આપણે સૌ નાગરિકોએ ભેગા મળીને કરવાનું છે. આપણા વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ આ યોજનાથી વંચિત હોય તો તેને આંગળી ચીંધ્યાનું પૂણ્ય કરી દેશની પ્રગતિમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ આવાસનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઓનલાઈન માધ્યમથી જોડાયેલા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સાધેલા સંવાદને જિલ્લાના નાગરિકોએ વર્ચ્યુઅલી એલઈડી સ્ક્રીનના માધ્યમથી નિહાળ્યો હતો. આ સાથે ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગ્રૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વેલછંડી ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી કાંતાબેન સોમાભાઈ તડવીએ તેમના પરિવાર સાથે વડાપ્રધાન ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોતાના આવાસમાં ગૃહ પ્રવેશ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેઓની સાથે કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ પણ જોડાયા હતા.
રાજપીપલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીએ પણ પ્રાસંગિત ઉદબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહિલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા. જ્યારે મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી પ્રતિકાત્મક રૂપે આપવામાં આવી હતી.
આ અવસરે દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન તેમજ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મેહુલભાઈ માછી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રસ્મિતાબેન વસાવા, નાંદોદના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ગરૂડેશ્વ તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, અગ્રણી સર્વશ્રી વિક્રમભાઈ તડવી, અનિરુદ્ધસિંહ ગોહિલ, રાજુભાઈ વસાવા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, ગામડાઓમાંથી પધારેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.