કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોને વિકાસ સહાય પૂરી પાડતા મંત્રાલયોના પાંચ કેન્દ્રીય પ્રધાનો પણ આ બેઠકમાં હાજરી આપશે.
આ બેઠકમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના વરિષ્ઠ અધિકારીઓ અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ ચર્ચામાં ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારની રણનીતિના કારણે ડાબેરી ઉગ્રવાદી હિંસામાં 72 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2010ની સરખામણીમાં 2023માં નક્સલવાદી હિંસાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં 86 ટકાનો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, નક્સલવાદીઓ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યાં છે.
2026 સુધીમાં નક્સલવાદીઓને ખતમ કરવાનું લક્ષ્ય
ગૃહ મંત્રાલયના અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કેન્દ્ર સરકાર ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની રાજ્ય સરકારોને નક્સલવાદના ખતરા સામે લડવામાં તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.
આ વર્ષે 202 નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો
અગાઉ 6 ઓક્ટોબર, 2023ના રોજ અમિત શાહે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. તે બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવા સૂચના આપી હતી.
વર્ષ 2024માં અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ સશસ્ત્ર ડાબેરી આતંકવાદીઓને ખતમ કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 202 ડાબેરી આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે 723 ડાબેરી આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે અને 812ની ધરપકડ કરવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2024માં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે ઘટીને 38 થશે. કેન્દ્ર સરકારે વિકાસ યોજનાઓને અસરગ્રસ્ત રાજ્યોના દૂરના વિસ્તારોમાં લઈ જવા માટે મોબાઈલ કનેક્ટિવિટી અને રસ્તાઓને પ્રોત્સાહન આપવા સહિત અનેક પગલાં લીધાં છે.