પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. કારણકે પાકિસ્તાને આકરુ વલણ અપનાવીને પોતાના દેશમાં રહેતા 17 લાખ અફઘાન શરણાર્થીઓને અફઘાનિસ્તાનમાં પાછા મોકલવાનુ શરુ કરી દીધુ છે.
આ પૈકી દોઢ લાખ જેટલા અફઘાનોને તો પાકિસ્તાને પાછા મોકલી પણ દીધા છે અને બાકીના લોકો માટે પાકિસ્તાની સરકાર પૂરજોશમાં અભિયાન ચલાવી રહી છે. જેના ભાગરુપે તેમના ઘરો પર બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે. જેથી અહીંયા રહેતા અફઘાન લોકો મજબૂર થઈને અફઘાનિસ્તામાં પાછા ફરે.
આ પ્રકારના વ્યવહાર સામે તાલિબાન સરકાર ફરી ભડકી છે અને તેણે પાકિસ્તાનને ધમકી પણ આપી છે. પાકિસ્તાનની કાર્યવાહી સામે યુએન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી રહી છે તો તાલિબાને પાછા ફરી રહેલા અફઘાનોનુ સ્વાગત કર્યુ છે.
ચિંતા એ વાતની છે કે, આટલા બધા લોકોને સાચવવા માટે અને શરણાર્થીઓનુ પેટ ભરવા માટે તાલિબાન સરકાર સક્ષમ નથી. જોકે પાકિસ્તાન આ બાબત પર વિચારવા માંગતુ નથી.
પાકિસ્તાન સ્થિત અફઘાન એમ્બેસીએ એક નિવેદન આપીને કહ્યુ છે કે, પાકિસ્તાનની કાર્યવાહીથી બંને દેશો વચ્ચેના સબંધો વધારે ખરાબ થશે. પાકિસ્તાની સરકાર તો જેમને સત્તાવાર રીતે શરણાર્થીનો દરજ્જો મળેલો છે અને તેમની પાસે કાયદેસરના દસ્તાવેજો છે છતા તેમને અફઘાનિસ્તાન પાછા ધકેલી રહી છે. પાકિસ્તાની સરકારે તેમને પાછા મોકલવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી. અફઘાન શરણાર્થીઓને દિવસો સુધી બોર્ડર પર રોકાવાનો વારો આવી રહ્યો છે. પાકિસ્તાનમાં રહેતા શરણાર્થીઓની સંપત્તિ પર પણ પાકિસ્તાન સરકારે કોઈ નિર્ણય લીધો નથી. પાકિસ્તાન સરકાર પોતાનો નિર્ણય પાછો લે.
દૂતાવાસકે કહ્યુ છે કે, અફઘાન લોકોને પાકિસ્તાનમાં રહેવુ છે કે અફઘાનિસ્તાન પાછા જવુ છે તે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે.
જોકે પાકિસ્તાન પોતાની નીતિ બદલવા તૈયાર નથી.પાકિસ્તાનને લાગે છે કે, દેશમાં ખૂન ખરાબા કરનાર ટીટીપી સંગઠનને તાલિબાન સરકાર શરણ આપી રહી છે અને તેના કારણે હવે તાલિબાનને કોઈ મદદ કરવામાં નહીં આવે. ભલે પાકિસ્તાનમાં રહેતા લાખો શરણાર્થીઓ પાછા ફર્યા બાદ તેમને રોજગાર અને ઘર આપવામાં તાલિબાની સરકારને ફાંફા પડે.