કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડાંગ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં સોલાર પંપની સુવિધાએ ખેતીનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.
એક સમયે વરસાદ અને મોંઘા ડીઝલ પંપ પર નિર્ભર રહેલા ખેડૂતો આજે સૂર્ય ઊર્જાની મદદથી સરળતાથી સિંચાઈ કરી રહ્યા છે. પરિણામે તેમની આવકમાં વધારો થયો છે અને જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે.
ઊર્જા અને જળ સુરક્ષાનો ડબલ લાભ
ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે PM-KUSUM યોજના માત્ર ખેડૂતોને વીજળી અને પાણીની સુવિધા પૂરું પાડતી યોજના નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જીના પ્રોત્સાહનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
સોલાર પંપના કારણે ડીઝલના ઉપયોગમાં ઘટાડો થયો છે, જેના કારણે ખેતીનો ખર્ચ ઓછો થયો છે અને કાર્બન ઉત્સર્જન પણ ઘટ્યું છે.
સફળતાની કહાની: ડાંગના રામુભાઈ વાઘમારે
ડાંગ જિલ્લાના ઉમરપાડા ગામના રામુભાઈ વાઘમારે માટે PM-KUSUM યોજના જીવન બદલનારી સાબિત થઈ છે.
અગાઉ તેઓ સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર હતા અને ઘણી વખત રાત્રે ખેતરમાં જઈને પાણી આપવું પડતું હતું. આજે સોલાર પંપની મદદથી દિવસ દરમિયાન સતત પાણી ઉપલબ્ધ રહે છે. આ બદલાવના કારણે તેઓ હવે વર્ષમાં એકથી વધુ પાક લઈ રહ્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે.
તાપીના ગાવજીભાઈ વસાવા માટે બન્યો વધારાની આવકનો માર્ગ
તાપી જિલ્લાના ગવાણ ગામના ગાવજીભાઈ વસાવા માટે સોલાર પંપ માત્ર સિંચાઈનું સાધન નથી રહ્યું.
તેઓ હવે વર્ષભર ખેતી કરી શકે છે અને ખેતરમાં ઘાસચારો ઉગાડીને પશુપાલન પણ કરી રહ્યા છે. જેના કારણે ખેતી ઉપરાંત વધારાની આવકનો સ્રોત ઉભો થયો છે.
નર્મદાના ઈશ્વરભાઈ વસાવાની સંઘર્ષથી સમૃદ્ધિ સુધીની સફર
નર્મદા જિલ્લાના જૂના મોસદા ગામના ઈશ્વરભાઈ વસાવા અગાઉ પૂરતી આવક ન મળતા રોજગારી માટે શહેરોમાં મજૂરી કરવા જતા હતા.
PM-KUSUM યોજનાના લાભ બાદ હવે તેઓ વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે. ખેતીમાંથી મળતી આવક વધતાં પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બની છે અને સ્થળાંતરની જરૂરિયાત પણ ઘટી ગઈ છે.
શું છે PM-KUSUM યોજનાના ત્રણ મુખ્ય કમ્પોનન્ટ?
કમ્પોનન્ટ-A
આ વિભાગ હેઠળ સોલાર ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતમાં 163 મેગાવોટના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરવામાં આવ્યા છે અને તેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
કમ્પોનન્ટ-B
જે વિસ્તારોમાં ગ્રીડ વીજળી ઉપલબ્ધ નથી, ખાસ કરીને જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં, ત્યાં 7.5 HP સુધીની ક્ષમતા ધરાવતા સ્ટેન્ડ-અલોન સોલાર પંપ આપવામાં આવે છે.
કમ્પોનન્ટ-C
આ યોજના હેઠળ પહેલેથી કાર્યરત કૃષિ પંપોનું સોલારાઇઝેશન કરવામાં આવે છે, જેથી ખેડૂતોને સતત અને સસ્તી ઊર્જા મળી રહે.
આદિવાસી ખેડૂતો માટે 100 ટકા સબસીડી
ગુજરાત સરકારે આદિવાસી અને જંગલ વિસ્તારોના ખેડૂતો માટે વિશેષ રાહત આપી છે.
આ વિસ્તારોમાં ખેડૂતોને સોલાર પંપ માટે 100 ટકા સબસીડી આપવામાં આવે છે, જેમાં 30 ટકા સહાય કેન્દ્ર સરકાર અને 70 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
પરિણામે ખેડૂતોને પોતાની તરફથી કોઈ ખર્ચ કરવો પડતો નથી. જ્યારે અન્ય વિસ્તારોના ખેડૂતોને પણ માત્ર નજીવો ફિક્સ્ડ ચાર્જ ચૂકવવાનો રહે છે.
વધુ પાક, વધુ આવક અને આત્મનિર્ભરતા
સોલાર પંપના ઉપયોગથી ખેડૂતો હવે પાણીની અછતની ચિંતા વગર ખેતી કરી શકે છે. વર્ષમાં એકથી વધુ પાક લેવાની ક્ષમતા વધતાં તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
સાથે સાથે પશુપાલન, બાગાયતી ખેતી અને અન્ય કૃષિ આધારિત પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.
વિકસિત ભારત અને ગ્રીન એનર્જી તરફનું મહત્વપૂર્ણ પગલું
દેશ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ અને ‘વિકસિત ભારત 2047’ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે PM-KUSUM યોજના ગ્રામ્ય ભારત માટે ગ્રીન એનર્જી આધારિત વિકાસનું મજબૂત મોડલ બની રહી છે.
ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં સોલાર પંપ માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ જીવનશૈલીનું પ્રતીક બની ગયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel