સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેલિફોન આવ્યો હતો. તેમણે કેટલાક સાંસદો દ્વારા ગઈકાલે સંસદ પરિસરમાં કરવામાં આવેલી ઘૃણાસ્પદ હરકત પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, પીએમ મોદીએ મને કહ્યું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી આ અપમાન સહન કરી રહ્યા છે. પરંતુ એ તથ્ય કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા સંવૈધાનિક પર સાથે અને તે પણ સંસદમાં આ પ્રકારની ઘટનાન ઘટવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. મેં પીએમ મોદીને કહ્યું કે, કેટલાક લોકોની હરકતો મને રોકી નહીં શકશે. હું મારી ફરજ નિભાવી રહ્યો છું અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રહ્યો છું. હું મારા હૃદયથી તે મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું. કોઈ અપમાન મારો માર્ગ નહીં બદલી શકે.
Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty…
— Vice President of India (@VPIndia) December 20, 2023
સાંસદોના વ્યવહાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું
સંસદ પરિસરમાં જે રીતે ઉપરાષ્ટ્રપતિને અપમાનિત કરવામાં આવ્યા તે ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, સંસદ પરિસરમાં આપણા આદરણીય ઉપરાષ્ટ્રપતિને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા તે જોઈને હું નિરાશ છું.
શું છે સમગ્ર ઘટના
સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ સંકુલમાં જ ધરણા પર બેઠા છે. આ સમયે એનડીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી વખતે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી મિમિક્રી કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઊડાવી રહ્યા છે અને બીજા સાંસદ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. વિપક્ષના નેતાઓના પતનની કોઈ હદ નથી. મેં એક વીડિયો જોયો છે. ટીવી પર એક મોટા નેતા વિડીયો બનાવી રહ્યા હતા જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની મજાક ઉડાવીને સાંસદોએ મારું અપમાન કર્યું છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિ, મારા પદની મજાક ઊડાવી છે.
સંસદમાં સૂરક્ષા ચૂક પર હંગામા બાદ અત્યાર સુધીમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ સાંસદોમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદો સામેલ છે.