ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પાર પાડી શકે છે. આ રાફેલ ફાઈટર વિમાનો ભારતીય નૌસેનાના INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તહેનાત કરાશે. રાફેલ મરીન આશરે 2,205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે ફક્ત 20 મિનિટમાં દિલ્હીથી પાકિસ્તાનના ઈસ્લામાબાદ શહેર સુધી પહોંચી શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ફ્રાન્સે 26 મરીન રાફેલની ખરીદી મુદ્દે ભારતના લેટર ઓફ એક્સેપ્ટન્સનો ફ્રાન્સે જવાબ આપ્યો છે. વિદેશમાં લશ્કરી સાધનોના વેચાણ સાથે સંકળાયેલા ફ્રાન્સ સરકારના અધિકારીઓની એક ટીમ ભારતીય ટેન્ડરનો જવાબ આપવા પેરિસથી દિલ્હી પહોંચી છે.
ભારતે ફ્રાન્સને લેટર ઓફ રિક્વેસ્ટ (LoR) મોકલી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સોદા માટે ફ્રાન્સ વિગતવાર અભ્સાસ કરશે. તેમાં આ ફાઈટર વિમાનની કિંમત, કોમર્શિયલ ઓફર અને કોન્ટ્રાક્ટની અન્ય વિગતો પણ સામેલ હશે. ભારત હવે ફ્રાન્સના સરકારી અધિકારીઓ સાથે આ સોદાની વાતચીત કરશે કારણ કે, તે સરકાર ટુ સરકાર કોન્ટ્રાક્ટ છે. એક મહિના પહેલા જ ભારત સરકારે ફ્રાન્સની સરકારને લેટર ઓફ રિક્વેસ્ટ (LoR) મોકલી હતી. આ પત્ર એક ટેન્ડર દસ્તાવેજ જેવો જ હોય છે, જેમાં ભારત સરકાર એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય માટે ખરીદવામાં આવે તેવી તમામ જરૂરિયાતો અને ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, જે તેઓ રાફેલ મરીન જેટમાં ઈચ્છે છે.
રાફેલ મરીન જેટની વિશેષતાઓ
•જો ભારત અને ફ્રાન્સ વચ્ચે આ સોદો થઈ જાય છે, તો ભારતીય નૌસેનાને ચાર ટ્રેનર વિમાનની સાથે 22 સિંગલ સીટેડ રાફેલ મરીન જેટ મળશે. આ વિમાનો નૌસેનાના INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય તહેનાત કરાશે. હજુ નૌસેના તેના માટે મિગ-29નો ઉપયોગ કરે છે.
•આધુનિક રાફેલ મરીન 4.5 જનરેશન ફાઈટર જેટ છે, તેને યુદ્ધ જહાજ પર તહેનાત કરવા ડિઝાઈન કરાયું છે.
•રાફેલ મરીન જેટ પ્રતિ કલાક આશરે 2,205 કિલોમીટરની ગતિએ ઉડાન ભરી શકે છે.
•રાફેલ મરીન જેટમાં 30 મિલિમીટરની ઓટોકેનન ગન છે. તેમાં ત્રણ પ્રકારની હવાથી હવામાં હુમલો કરનારી મિસાઈલ, સાત પ્રકારની હવાથી જમીન હુમલો કરનારી મિસાઈલ, ન્યુક્લિયર મિસાઈલ ફિટ થઈ શકે છે.
•રાફેલ-એમ 50.1 ફૂટ લાંબું છે. રાફેલને એક અથવા બે પાયલોટ ઉડાવી શકે છે, જેનું વજન 15 હજાર કિલોગ્રામ છે.
•રાફેલ મરીન જેટની ફ્યૂલ ટેન્કની ક્ષમતા 11,202 કિલોગ્રામ છે.
•રાફેલ મરીન જેટની કોમ્બેટ રેન્જ 1850 કિલોમીટર છે. એટલે કે આ ફાઈટર વિમાન ઓપરેશન એરબેઝ પરથી ટેક ઑફ કરીને દૂરના લક્ષ્યને ધ્વસ્ત કરી શકે છે. તેની ફેરી રેન્જ 3700 કિલોમીટર છે. રાફેલ 52 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.