અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જેવી એક સુરક્ષાકર્મીની નજર તેની ઉપર પડી, તુરંત તેની અટકાયત કરી લેવામાં આવી હતી. ગુપ્ત એજન્સી દ્વારા હાલ આરોપી યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ભંગ પડવાથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સોમવારે (6 જાન્યુઆરી) ગુજરાતના વડોદરાનો રહેવાસી જયકુમાર જાની પત્ની સાથે રામલલાના દર્શન માટે પહોંચ્યો હતો. તેણે કેમેરાવાળા ચશ્મા પહેરેલા હતાં. તમામ ચેકિંગ પોઇન્ટ પર તૈનાત સુરક્ષાકર્મીઓને તેના પર શંકા ન થઈ અને તે છેક મંદિરની અંદર પહોંચી ગયો. મંદિરમાં પહોંચતાં જ તે પરિસરમાં ફોટો ક્લિક કરવા લાગ્યો. તેણે જે ચશ્મા પહેર્યા હતા, તેની ફ્રેમની બંને કિનારીએ કેમેરા લગાવેલા હતાં. જેનાથી ખૂબ જ સરળતાથી ફોટો ક્લિક કરી શકાય.