નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા ‘માનસ ગોપનાથ’ ગાનમાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્મોત્સવ ઉજવાયો.
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ‘માનસ ગોપનાથ’ ગાનમાં મોરારિબાપુએ ક્થા પ્રસંગ સાથે એક પત્ર જિજ્ઞાસા સંદર્ભે ચિંતન વ્યાખ્યા કરતાં કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક એટલે સમગ્રનો વિચાર, વિજ્ઞાન એટલે અધ્યાત્મના સંદર્ભનો વિચાર, વૈરાગ્ય એટલે વિરક્ત ભાવ વિચાર અને વિવેક એટલે વાનપ્રસ્થ સભાનતાનો વિચાર એમ ચાર વિચાર આપે છે.
મોરારિબાપુ એ સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિમાં યુદ્ધની સ્થિતિમાં યુદ્ધવિરામના મળતા સમાચારોને બિરદાવી વ્યાસપીઠ પરથી રાજીપો વ્યક્ત કર્યો.
ધર્મના નામે આડંબર અને સંપ્રદાયોના નામે સનાતન વિરોધી કરતૂતો સામે જાગૃત રહેવા જણાવી શિવ, ગણેશ, માતાજી… વગેરેની પૂજન વંદના ન છોડવા અને વૈદિક ધર્મને વળગી રહેવા શીખ આપી.
ક્થા પ્રવાહ વર્ણન સાથે રામ અવતાર કારણ અને હેતુઓ સમજાવ્યા. સાંપ્રત ચિંતન સાથે ઉત્સાહ ભાવ સાથે રામજન્મોત્સવ ઉજવાયો. ‘ભયે પ્રગટ ક્રિપાલા, દીનદયાળા, કૌશલ્યા હિતકારી…’ ચૈત્ર માસ નવમીના ભગવાન અવતરણ થાય છે. અહીંયા ચાર રાજકુમારોના જન્મના પ્રસંગ વર્ણવાયા.
તલગાજરડાના વાયુમંડળમાં દર વર્ષે રામકથા લાભ મળી રહ્યો છે, આ પ્રસંગે આજની કથામાં પણ મોરારિબાપુએ અગાઉ આ પંથકના ગામોમાં થયેલી કથાઓ અને તે સમયનાં કાર્યકર્તા વડીલોનું સંસ્મરણ ભાવવાહી રીતે કર્યું.
નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા ‘માનસ ગોપનાથ’ પ્રસંગે લલિતકિશોર મહારાજ, જાનકીદાજી મહારાજ અને સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
આજના ક્થા પ્રારંભે દિનુભાઈ ચુડાસમા દ્વારા સંપાદિત ‘સુભાષ ભટ્ટની અનહદ બાની’ એક શબદમે સબ કહા પ્રકાશન લોકાર્પણ બ્રહ્માઅર્પણ કરાયું, જે ઉપક્રમમાં મોરારિબાપુ સાથે સીતારામબાપુ અને સંગીતની દુનિયા પરિવારના નિલેશભાઈ વાવડિયા તથા તસવીરકાર પ્રિયાંકભાઈ વાવડિયા જોડાયાં. આ પ્રકાશન પ્રસંગે મોરારિબાપુએ પોતાની પ્રસન્નતા પણ જણાવી.
આજની કથામાં નિરંજનભાઈ રાજ્યગુરુ, માયાભાઈ આહિર, જગદીશભાઈ ત્રિવેદી, દિગુભા જાડેજા વગેરે સાહિત્યકારો, કલાકારો જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel