ખેડા જિલ્લામાં નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
અષાઢી બીજનાં પાવન પર્વે ધર્મ રક્ષા સમિતિ તથા શ્રી સિદ્ધિ વિનાયક સેવા સમિતિ દ્વારા મહેમદાવાદ ખાતે આયોજિત ભગવાન જગન્નાથજીની ૧૧મી રથયાત્રાનું પ્રસ્થાન ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરાવવામા આવ્યો હતો. આ સાથે મહેમદાવાદ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
રથયાત્રા નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાંથી ચાંદીના રથ પર બિરાજીને નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. ડાકોર રણછોડરાયના મંદિર ખાતે સવારે મંગળા આરતી તેમજ નિત્ય પૂજા અર્ચના કર્યા બાદ ચાંદીના રથમાં ભગવાનનું અધિવાસન થયું હતું. ભક્તજનોની ભારે ભીડ વચ્ચે જય રણછોડ માખણ ચોર તેમજ રણછોડ મહારાજાના નાદ સાથે મંદિર પરિસરમાં પરિક્રમા કર્યા બાદ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો હતો.
રથયાત્રાના પરંપરાગત રૂટ પર ડાકોરના ઠાકોરની વાજતે ગાજતે રથયાત્રા શરૂ થયા બાદ ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી થઈને રાધા કુંડ પહોંચી હતી. ત્યાંથી મોખા તલાવડીથી પુન: રથમાં બિરાજી રણછોડરાય પુરા થઈ કેવડેશ્વર પહોંચી હતી. જ્યાં ભગવાને આભૂષણ અને વસ્ત્રો ધારણ કર્યા હતા.
અષાઢી બીજના દિવસે આખા દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી થઈ રહી હતી ત્યારે નડિયાદ માં આવેલ શ્રી મોટા નારાયણ મંદિર ખાતે શ્રી મોટા નારાયણ મંદિર ખાતે 217 મી રથયાત્રા નીકળી હતી, ભગવાનની આરતી કરીને રથમાં બેસાડીને નગરયાત્રા કરવામાં આવી હતી અને ભગવાનો રથ ખેંચિને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને દર્શનનો લાભ લીધો તથા ભગવાને દરેકના ઘરે ઘરે જઈને પધરામણી કરી ને દર્શનનો લાભ આપ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ ઘટના બને નહીં તે બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.