ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં મોરારિબાપુએ કહ્યું. રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.
રામકથા ‘માનસ પિતામહ’ વર્ણન સાથે મહાભારત તેમજ આપણાં લોકસાહિત્યનો સમન્વય કરીને મોરારિબાપુએ કથા પ્રવાહમાં ટકોર કરતાં ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ જણાવ્યું. રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે. જો કે, વિદ્વતા સાથેનું અધ્યયન પણ જરૂરી છે, આમ છતાં આપણને આ વધુ સરળ છે, તેમ ઉમેર્યું.
‘સિંહાસન પર ત્રિભુવન સાંઈ, દેખિ સુરન્હ દુદુંભિ બજાઈ, તારન તરન હરન સબ દૂષણ, તુલસીદાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ. – આ ચોપાઈને કેન્દ્રમાં રાખી ત્રિભુવનદાદાનાં પૂણ્ય સ્મરણ સાથે ‘માનસ પિતામહ’ રામકથા વર્ણન કરતાં શ્રી મોરારિબાપુએ પ્રારંભે દુર્ગા સપ્તશતી ગાન મહિમા વર્ણવ્યો.
રામકથા પ્રવાહમાં મોરારિબાપુએ બાલકાંડ એ પ્રકાશ આપનાર તેમજ દિવા રૂપ ગણાવી તે ઓલવાશે નહિ તેમ કહ્યું. આપણાં ઉત્કર્ષનું મૂળ ન ભૂલવા ભાર મૂકતાં શીખ આપી કે, જો તમારું મૂળ ભૂલશો તો કદાચ પ્રગતિ તો થશે પણ શાંતિ નહિ આવે.! આ સાથે અયોધ્યા કાંડ એ અજવાળા પછી પ્રેમ આપનાર ગણાવ્યો.
પાંડવો તથા હનુમાનજીને શિક્ષા, દીક્ષા અને ભિક્ષા અંગે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રસંગ વર્ણનો સાથે કહ્યું કે, પાંડવોને શિક્ષા દ્રોણાચાર્યે આપી, દિક્ષા ભીષ્મે આપી અને ભિક્ષા કૃષ્ણે આપી આવી જ રીતે હનુમાનજીને શિક્ષા સૂર્યે આપી, દિક્ષા રામે આપી અને ભિક્ષા જાનકીએ આપી.
મોરારિબાપુએ ભાવવાહી શ્લોક અને લોકનાં સમન્વય સાથે કાકીડીનાં ત્રિભુવનઘાટ પર યોજાયેલ રામકથા રામકથા છે, તેમ ભાવ વ્યક્ત કર્યો.
આજની કથામાં મહાભારત અને તે સંદર્ભે થયેલ સાહિત્ય સર્જન ઉલ્લેખ કરતાં મોરારિબાપુએ નાનાદાદા ભટ્ટ સાથે સચ્ચિદાનંદજી સ્વામી, દિનકરભાઈ જોષી, ગુણવંતભાઈ શાહ સહિત ઘણાંનું સ્મરણ કર્યું.