મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં નીકળેલા જુલૂસમાં હિંદુ સમુદાયના ધાર્મિક પ્રતિક ભગવા ધ્વજ પર કાળા રંગથી “ઇસ્લામ ઝિંદાબાદ” લખાયેલું જોવા મળ્યું હતું. હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે જુલૂસમાં ભાગ લેનારાઓએ માત્ર ભગવા ધ્વજનો અપમાન જ કર્યો ન હતો, પરંતુ ત્યા “તાલિબાનના ઝંડા” પણ લહેરાવાયા હતા અને ડીજે પર પાકિસ્તાનની સેનાના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદી અભિષેક તિવારીની અરજીના આધારે અજાણ્યા 2-3 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે મુસ્લિમ પક્ષે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો પરિસ્થિતિને બગાડવા માટે આવા આક્ષેપો કરી રહ્યા છે.
બીજી તરફ સાગર જિલ્લામાં પણ ઈદ મિલાદના જુલૂસ દરમિયાન મોટી ઉશ્કેરણીજનક ઘટના સામે આવી છે. અહીં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પર આરોપ છે કે તેમણે જુલૂસ દરમિયાન ‘સર તન સે જુદા’ જેવા ઉશ્કેરણીજનક નારા લગાવ્યા. ખાસ કરીને આ નારા તીન બત્તી વિસ્તાર ખાતે આવેલા પ્રખ્યાત હનુમાન મંદિર સામે લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પોલીસના અહેવાલ મુજબ, આ નારા ખુલ્લેઆમ જુલૂસમાં સામેલ વાહનોમાંથી પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં “ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા” જેવા શબ્દો સામેલ હતા. આ ઘટનાને પગલે હિંદુ જાગરણ મંચના ઉમેશ સરાફે પોલીસમાં અરજી કરી હતી, જેના આધારે કોંગ્રેસના પમ્મા કસાઈ, ફિરદૌસ કુરેશી અને શાહબાઝ કુરેશી સહિત અનેક લોકો સામે કલમ 353, 351(2), 299 અને 196 હેઠળ કેસ નોંધાયો છે.
હાલ પોલીસ સમગ્ર મામલે સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. સ્માર્ટ સિટીના CCTV ફૂટેજ તથા વાયરલ થયેલા વીડિયોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેથી અન્ય આરોપીઓની પણ ઓળખ કરી શકાય અને તેમને પણ FIRમાં સામેલ કરી શકાય. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન પણ સક્રિય બન્યું છે. સમાજમાં વધતી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવા માટે કડક પગલાં લેવા માટે સ્થાનિક હિંદુ સંગઠનો દબાણ બનાવી રહ્યા છે. બંને ઘટનાઓને કારણે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે અને ધાર્મિક સ્થળો તથા તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે કે નહીં, તે અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel