શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરીઓમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં એક જ લેખિત અરજીમાં ઘણી સ્કૂલો અને તેમને જોડાયેલા 40થી વધુ શિક્ષકોના નામો ઉપરાંત ટ્યુશન ક્લાસીસના નામો પણ આપવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે ઘણા સ્કૂલોના શિક્ષકો, ખાસ કરીને ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓના, નિયમોની અવગણના કરીને બહાર ખાનગી ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે. આ ફરિયાદના આધારે ડીઈઓ કચેરી દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ પ્રક્રિયામાં, ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને પરિપત્ર મોકલીને ચેતવણી આપી હતી કે જો કોઈ પણ સ્કૂલના શિક્ષકના ટ્યુશન કરવાના કિસ્સા સામે આવશે તો એ સ્કૂલ પોતાના શિક્ષક માટે જવાબદાર ગણાશે અને ગ્રાન્ટેડ સ્કૂલના મામલામાં ગ્રાન્ટ કાપવામાં આવશે. આ પગલાં બાદ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં શહેર અને ગ્રામ્ય જિલ્લાની વિવિધ સ્કૂલોના કુલ 16 શિક્ષકો ટ્યુશન આપતા હોવાની પુષ્ટિ થઈ.
શહેરમાં સાબરમતીની અર્જુન ઈંગ્લીશ સ્કૂલ, રાણપીની મિશન સ્કૂલ, ઈસનપુરની મહાવીર હાઈસ્કૂલ અને મણિનગરની ડિવાઈન બડર્સ સ્કૂલના કુલ પાંચ શિક્ષકો ટ્યુશન આપતા હોવાના કેસ સામે આવ્યા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એસ.એસ. ડિવાઇન, અંબિકા, તિરૂપતિ, સ્વામિનારાયણ, સુપર અને કે.આર. રાવલ જેવી સ્કૂલોના 11 શિક્ષકો સામે સમાન પ્રકારના કિસ્સા સામે આવ્યા. દરેક સંચાલક સંસ્થાએ સંબંધિત શિક્ષકોના તુરંત રાજીનામા લઈ લેતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે.
જોકે, ફરિયાદમાં 40થી વધુ શિક્ષકોના નામ હતા, છતાં અત્યાર સુધીમાં ફક્ત 16 પર જ પગલાં લેવાયા છે. પ્રશ્ર્ન એ છે કે શું હવે વધુ તપાસ કરીને બાકીના શિક્ષકો સામે પણ કાર્યવાહી થશે, ખાસ કરીને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો સામે? કે પછી આ મુદ્દે ફક્ત ખાનગી સ્કૂલો સુધી જ સીમિત રહીને સરકાર તંત્ર સંતોષ માનશે? હાલની કાર્યવાહી શિક્ષણ વ્યવસ્થામાં શિસ્ત અને જવાબદારી લાવવા માટે પ્રારંભિક પગલું માનવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં નિયમનો ભંગ કરનારા દરેક શિક્ષક સામે સમાન કડક કાર્યવાહી થવી જોઈએ જેથી શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને નૈતિકતાની ઊંચી મર્યાદા જળવાઈ રહે.