લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં RSSના મોહન ભાગવત અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો જોડાશે.
ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આજથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરાયું છે. જેમાં RSSના મોહન ભાગવત, સર કાર્યવાહક દત્તાત્રેય હોન્સબોલે, ભૈયાજી જોશી સહિતના આગેવાનો જોડાશે. આ સાથે સુનીલ આંબેકર સહિત 44 પ્રાંતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, આ સંઘની કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા દેશભરના 15 હજાર જેટલા સ્વયંસેવકો પહોંચ્યા છે.
ગઈકાલે કરાયું હતું ધ્વજારોહણ
કચ્છના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે રોજ મળવાની છે. જોકે ગઈકાલે ભુજ ખાતે કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા હતા. નોંધનીય છે કે, કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક મળશે.
મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં હાજરી આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ આવી પહોંચ્યા હતા. મહત્વનું છે કે, બેઠક પહેલા મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં 44 પ્રાંતના 400 સ્વયંસેવકો હાજરી આપશે. કચ્છની સરહદો પરથી હિન્દુઓની હિજરત રોકવા બેઠકમાં મંથન કરવામાં આવશે.