મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે મધ્યપ્રદેશ કોંગ્રેસના 2 મુખ્ય નેતાઓ કમલનાથઅને દિગ્વિજય સિંહ પર સવાલો ઉઠાવ્યા છે. દિક્ષિતે કહ્યું કે, અમારી પાર્ટી હાર બાદ ક્યારેય સમીક્ષા કરતી નથી. મે સમજાવ્યું હતું, પરંતુ કોઈએ સાંભળ્યું નથી.
રાજ્ય કોંગ્રેસ નેતાઓ હાર માટે જવાબદાર
સંદીપ દીક્ષિતે ભલે એમ કહ્યું હોય કે, તેમની પાર્ટી હાર બાદ મંથન કરતી નથી, જોકે ત્યારબાદ તેમણે તુરંત મધ્યપ્રદેશમાં હાર માટે પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં જીતેલી ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ, જેની સંપૂર્ણ જવાબદાર રાજ્યનું નેતૃત્વ જ છે, મધ્યપ્રદેશમાં હવે સીનિયર લીડર્સનો સમય ખતમ થઈ ગયો.
કોંગ્રેસને ભારે પડી લાડલી બહેના યોજના
સંદીપ દીક્ષિતે વધુમાં જણાવ્યું કે, ભાજપના મુકાબલે કોંગ્રેસ નબળી પડી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા રાજ્યની મહિલાઓ માટે લવાયેલી લાડલી બહેના યોજનાથી કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, આ મહત્વકાંક્ષી યોજનાના મુકાબલો કોંગ્રેસ કાંઈ ન કરી શકી. આ યોજના મહિલાઓ વચ્ચે ખુબ જ લોકપ્રિય બની અને કોંગ્રેસ કાઉન્ટરમાં કંઈ ન કરી શકી. તેમણે પ્રદેશ નેતૃત્વ પર મનમાની કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે, મેં સમજાવ્યું હતું, પરંતુ કોઈએ સાંભળ્યું નથી.
વિધાનસભા પરિણામોના વલણમાં ભાજપ આગળ
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી વલણ મુજબ ભાજપ 163 બેઠકો પર આગળ જોવા મળી રહી છે, જ્યાર કોંગ્રેસ 65 બેઠક પર આગળ છે. ચૂંટણી પંચના વલણો મુજબ એક બેઠક પર બહુજન સમાજ પાર્ટી, જ્યારે એક બેઠક પર ભારત આદિવાસી પાર્ટી આગળ છે. જોકે આ માત્ર વલણો છે, અંતિમ પરિણામ નથી.