કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શાસક હતા.’
શિવાજી મહારાજ 100% ધર્મનિરપેક્ષ શાસક
શિવાજી મહારાજ પર એક પુસ્તકનું વિમોચન કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘ભારતીયોના દિલમાં તેમનું વિશેષ સ્થાન છે. તેઓ મારા અને મારા માતા-પિતા માટે પણ વિશેષ સ્થાન ધરાવે છે. આજે સેક્યુલર શબ્દ ખૂબ પ્રચલિત છે. પરંતુ અંગ્રેજી શબ્દકોશમાં સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નથી. પરંતુ ધર્મનિરપેક્ષનો અર્થ એ છે કે તમામ ધર્મોનું સમાન રીતે સન્માન કરવામાં આવે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું અને ધર્મનિરપેક્ષ મૂલ્યો સાથે કામ કર્યું.’
શિવાજી મહારાજે ક્યારેય મસ્જિદ પર હુમલો નથી કર્યો
નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સદનમાં કહ્યું, ‘મહારાજ શિવાજીએ તેમના જીવનમાં ઘણા યુદ્ધ લડ્યા, પરંતુ તેમણે ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો કર્યો નથી. તે હંમેશા મહિલાઓને માન આપતા હતા. તેઓ પ્રજાને સમર્પિત શાસક હતા. તેમનો વહીવટ કડક અને લોકો માટે મૈત્રીપૂર્ણ હતો.’
મુસ્લિમ સમુદાયના સૈનિકોને સન્માન સાથે મહેલમાં દફનાવવાનો આદેશ
આ ઉપરાંત માર્ગ અને પરિવહન મંત્રીએ 10 નવેમ્બર, 1659ના રોજ થયેલા પ્રતાપગઢના યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘આ યુદ્ધ શિવાજી મહારાજ અને બીજાપુરના સૈનિકો વચ્ચે થયું હતું, જેનું નેતૃત્વ અફઝલ ખાન કરી રહ્યા હતા. જ્યારે અફઝલ ખાન યુદ્ધમાં માર્યો ગયો, ત્યારે મહારાજ શિવાજીએ તેમના પોતાના ઘણા સૈનિકોને પ્રતાપગઢ કિલ્લામાં સંપૂર્ણ સન્માન સાથે દફનાવવાનો આદેશ આપ્યો. તેણે જે સૈનિકોને આદેશ આપ્યો હતો તે મુસ્લિમ સમુદાયના હતા અને લાંબા સમયથી તેની સેનાનો એક ભાગ હતા.’
જાતિ અને ધર્મની વાત ન કરવાની આપી સલાહ
આ વિષે વધુ વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે પણ કોઈ મોટો નેતા બને છે ત્યારે તે જાતિ અને ધર્મની વાત કરવા લાગે છે. હું લોકોને ચેતવણી આપું છું કે જાતિ અને ધર્મ વિશે વાત ન કરો.’