ડિસેમ્બર મહિનાની શરુઆત સાથે જ દુનિયાના મોટાભાગના દેશોમાં ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે રશિયાના સાઈબેરિયા વિસ્તારની ઠંડીની વાત જ અલગ છે. આ દુનિયાના સૌથી ઠંડા વિસ્તારો પૈકી એક છે અને ડિસેમ્બર મહિનાના પ્રારંભની સાથે જ સાઈબેરિયાના કેટલાક હિસ્સામાં તાપમાનનો પારો માઈનસ પચાસ ડિગ્રીથી પણ નીચે જતો રહ્યો છે.
રશિયાની રાજધાની મોસ્કો સહિત ઘણા શહેરોમાં બરફના તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સાઈબેરિયાના પૂર્વ હિસ્સામાં આવેલા અને દુનિયાના સૌથી ઠંડા શહેરો પૈકી એક સખા રિપબ્લિકમાં તાપમાનનો પારો માઈનસ પચાસથી નીચે ગગડયો છે. સખા રિપબ્લિક નાનો વિસ્તાર નથી. તેનુ કદ ભારતથી સ્હેજ જ નાનુ છે.
અહીંયા વર્ષના મોટાભાગનો સમય તાપમાન ઝીરોથી નીચે રહેતુ હોય છે. આ વિસ્તારની રાજધાની યાકુત્સકમાં તાપમાન માઈનસ 48 ડિગ્રી શિયાળાની શરુઆતમાં જ નોંધાઈ ચુકયુ છે.
બીજી તરફ રશિયાની રાજધાની મોસ્કોમાં સિઝનની અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષા થઈ છે. જેના કારણે કેટલાક એરપોર્ટ પરના રનવે બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા અને વિમાનોની અવર જવર પ્રભાવિત થઈ હતી. પાંચ ફ્લાઈટને રદ કરવાની ફરજ પડી હતી. મોસ્કોનુ ટેમ્પરેચર પણ માઈનસ 18 ડિગ્રી સુધી પહોંચ્યુ છે.