સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્રકરણ હતું. આ દિવસને ભારત આજે પણ “દિગ્વિજય દિવસ” તરીકે ઉજવે છે, કારણ કે એ દિવસે ભારતના એક યુવાન સંન્યાસીએ પોતાના તેજસ્વી વિચારો અને પ્રભાવશાળી વક્તવ્ય દ્વારા સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક વૈભવથી પરિચિત કરાવ્યું.
વિશ્વ ધર્મ પરિષદનો ઉદ્દેશ્ય હતો ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવો. એ માટે વિવિધ પંથોના પ્રતિનિધિઓ એકત્ર થયા, દરેકે પોતાના ધર્મની મહિમા ગાઈ, બીજાને નકારવાનો પ્રયત્ન કર્યો. એ સમયે વિશ્વના મોટાભાગના ધર્મપ્રચારકો એક પ્રકારની ધાર્મિક સ્પર્ધામાં તત્પર હતા. પરંતુ, જ્યારે સ્વામી વિવેકાનંદ ભાષણ આપવા માટે ઊભા થયા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તેમના પ્રથમ શબ્દો “Sisters and Brothers of America…” સાંભળતા જ સમગ્ર હૉલ 2 મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ માત્ર શબ્દો નહોતા, પરંતુ ભારતીય પરંપરાના “વસુધૈવ કુટુંબકમ્” સિદ્ધાંતનું જીવંત પ્રતિબિંબ હતું. પશ્ચિમી પ્રેક્ષકો માટે આ ભાષણ એક ઝટકો સમાન હતું, કારણ કે તેમને પહેલી વાર કોઈ પૂર્વીય પ્રતિનિધિએ પોતાની ભાષામાં તેમને સ્નેહપૂર્વક ભાઈ-બહેન તરીકે સંબોધ્યા હતા.
સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં કહ્યું કે ભારત એ દેશ છે જેણે સહિષ્ણુતા અને સર્વધર્મ સ્વીકૃતિના વિચારોને જગતને આપ્યા છે. તેમણે ઉદાહરણ આપ્યું કે યહૂદીઓ જ્યારે રોમન સામ્રાજ્ય દ્વારા અત્યાચારનો ભોગ બન્યા ત્યારે ભારતે તેમને શરણ આપ્યું, પારસીઓએ જ્યારે પોતાના વતનમાંથી ભાગવું પડ્યું ત્યારે ભારતે તેમને આશ્રય આપ્યો. આ રીતે ભારતે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને આશ્રયનું કેન્દ્ર બનવાની પરંપરા જીવંત રાખી છે.
સ્વામી વિવેકાનંદે કોમ્યુનિટી હૉલમાં श्रीशिवमहिम्नस्तोत्रનો એક શ્લોક પોતાના દ્રઢ અવાજમાં લાયબદ્ધ રીતે સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે – ‘रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम… नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव…’ આ શ્લોકનો અર્થ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે, “જે રીતે અલગ-અલગ સ્ત્રોતોથી નીકળેલી વિભિન્ન નદીઓ અંતમાં સમુદ્રમાં જઈને ભળી જાય છે, તે જ રીતે મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર અલગ-અલગ માર્ગને પસંદ કરે છે, જે જોવામાં ભલે સીધો અથવા તો વાંકોચુંકો હોય, પરંતુ આ તમામ માર્ગો ઈશ્વર સુધી જાય છે. આજનું સંમલેન ગીતામાં દર્શાવાયેલા એ સિદ્ધાંતનું પ્રમાણ છે. જેમાં ઈશ્વરે કહ્યું છે કે, જે પણ મારા સુધી આવે છે, ચાહે તે ગમે તેવો હોય, હું તેના સુધી નિશ્ચિત પહોંચું છું.” તેમણે આતંકવાદને દુનિયાનો સૌથી મોટો રાક્ષસ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું, “સાંપ્રદાયિક્તા, કટ્ટરતા અને તે લોકોની ધર્માંધતા લાંબા સમય સુધી પૃથ્વીને પોતાના સિકંજામાં જકડીને બેઠી છે. તેમણે ધરતીને હિંસાથી ભરી દીધી છે. કેટલી વાર આ ધરતી રક્તથી લાલ થઈ છે, કેટલી સભ્યતાઓનો વિનાશ થયો છે અને કોણ જાણે કેટલાય દેશોનો પણ નાશ થયો છે. જો આ ભયાનક રાક્ષસ ન હોત, તો આજ માનવ સમાજ ઘણો ઉન્નત હોત. પરંતુ હવે તેમનો સમય પૂર્ણ થવા પર છે.” આ ઉપરાંત સ્વામી વિવેકાનંદે ભારતીય દર્શનશાસ્ત્ર અને વેદાંગોને સ્પષ્ટ અને મૂળરૂપે દુનિયા સામે રાખ્યા હતા.
ભાષણના અંતમાં તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આ સંમેલનનો શંખનાદ તમામ ધર્માંધતાઓ, દરેક પ્રકારના કલેશ અને તમામ મનુષ્યો વચ્ચેના દુર્ગુણોનો વિનાશ કરશે. ચાહે તે તલવારથી હોય કે પછી કલમથી..”
સ્વામી વિવેકાનંદના આ ભાષણ બાદ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા. આટલી ઊંડી અને વિશાળ વિચારધારા ભાગ્યે જ કોઈ પરંપરામાં જોવા મળતી હતી. 12 સપ્ટેમ્બરના અમેરિકી અખબારના તમામ પાનાંઓ પર સ્વામી વિવેકાનંદના ભાષણો હતાં. મોટાં-મોટાં અખબારો પણ ઇન્ટરવ્યુ માટે સ્વામીજીને મળવા માંગતા હતા. આટલા ગહન અને પ્રભાવશાળી વક્તવ્ય પછી સ્વામી વિવેકાનંદ અમેરિકામાં એક પ્રખ્યાત હસ્તી બની ગયા હતા. પરંતુ તમામ મોહનો ત્યાગ કરીને ફરીથી તેઓ ભારત આવી ગયા અને અહીં આવીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને ભારતવાસીઓ માટે જિંદગી ખપાવવામાં લાગી ગયા હતા. આજે શિકાગોમાં કોમ્યુનિટી હૉલ તરફ જતાં માર્ગને ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.”
સ્વામીજીના ભાષણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો સાંપ્રદાયિકતા અને કટ્ટરતાના વિરોધમાં તેમની ઘોષણા. તેમણે કહ્યું કે માનવ ઇતિહાસમાં સૌથી વધારે રક્તપાત, યુદ્ધો અને સંસ્કૃતિઓનો નાશ આ ધાર્મિક કટ્ટરતાના કારણે થયો છે. જો આ રાક્ષસ માનવ સમાજમાંથી દૂર થઈ જાય, તો માનવજાત ખૂબ આગળ વધી શકે. આ વાક્યો માત્ર તે સમય માટે જ નહીં, પરંતુ આજે પણ એટલા જ પ્રાસંગિક છે.
વિવેકાનંદના ભાષણ પછી અમેરિકાના અખબારોમાં તેમના વિચારોને પહેલી વાર મુખ્ય પાનાંઓ પર સ્થાન મળ્યું. યુરોપ અને અમેરિકાના વિદ્વાનો ભારતના શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોમાં રસ લેતા થયા. આ ભાષણએ પશ્ચિમના ભારત પ્રત્યેના નકારાત્મક નેરેટિવ્સ તોડી નાખ્યા. જે દેશને તેઓ સાપ-સપેરાઓનો દેશ કહેતા હતા, એ જ દેશમાંથી એક એવા યુવાને આવું વૈશ્વિક દ્રષ્ટિકોણ રજૂ કર્યું, જે આખી માનવજાત માટે પ્રેરણારૂપ બની ગયું.
પશ્ચિમી દેશોના તમામ નેરેટિવ ઉખાડી ફેંક્યા
પશ્ચિમી દેશોએ ભારતને લઈને અનેક નેરેટિવ ફેલાવ્યા હતા. યુરોપમાં માત્ર એવું જ કહેવામાં આવતું હતું કે, આફ્રિકા કરતાં પણ ભારત સૌથી વધુ પછાત છે, ત્યાંના લોકોને માત્ર સાપ-સપેરામાં જ રસ છે, તેમને દુનિયા વિશે પણ કોઈ ગતાગમ નથી, તેમની વિચારધારા પણ સંકુચિત છે… આવા અનેક નેરેટિવ હિંદુ ધર્મ અને ભારત માટે યુરોપના દેશોમાં ઘડાયેલા હતા. અંગ્રેજો ક્યારેય સ્વીકારી જ નહોતા શકતા કે, ભારતીય પરંપરા વિશ્વની પ્રાચીન પરંપરા છે. જોકે, 1921 બાદ અનેક ઐતિહાસિક સંશોધન બાદ તે સાબિત થઈ ગયું હતું કે, ભારતીય સિંધુ સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન જીવિત સભ્યતા છે. ત્યારબાદ તો અંગ્રેજોએ નછૂટકે પણ સ્વીકારવું પડ્યું. પરંતુ, 18મી સદી સુધી અંગ્રેજો તે માનવા તૈયાર નહોતા.
પરંતુ, સ્વામી વિવેકાનંદના આ ભાષણ બાદ સામાન્ય યુરોપિયનો ભારત અને હિંદુ તરફ વધુ આકર્ષાયા હતા. કારણ એક માત્ર ‘વિશ્વ બંધુત્વ’ અને ખોટી વાહવાહીથી અલગાપણું. તે સમયના તમામ ધર્મો એકબીજાથી ચડિયાતા હોવાની સ્પર્ધામાં લાગેલા હતા, જ્યારે હિંદુ ધર્મમાં તેની કોઈ સ્પર્ધા જ નહોતી. સ્વામીજીના ભાષણ બાદ અનેક યુરોપિયનોએ ભારતીય ગ્રંથોના અભ્યાસમાં રસ દાખવ્યો હતો. સ્વામીના ભાષણથી પ્રભાવિત થયેલા અમેરિકનોનો એક પ્રચંડ જનસાગર તૈયાર થઈ ગયો હતો અને પરિણામ સ્વરૂપે ત્યાં ઇસ્કોન જેવી સંસ્થાઓ શરૂ કરી હિંદુ ધર્મનું જ્ઞાન વહેંચવાની ફરજ પડી હતી.
શિકાગોના કોમ્યુનિટી હૉલમાં આપેલું આ ભાષણ પછી સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાં પ્રખ્યાત થયા, અનેક સંસ્થાઓએ તેમને આમંત્રિત કર્યા, લોકો તેમની વાતો સાંભળવા ઉમટી પડ્યા. પરંતુ સ્વામીજી માટે આ પ્રસિદ્ધિ અંતિમ લક્ષ્ય નહોતું. તેઓ પોતાના વતન ભારત પાછા ફર્યા અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જે આજ સુધી સેવા, શિક્ષણ અને આધ્યાત્મિક જાગૃતિના કાર્યો કરી રહ્યું છે.
આજે પણ 11 સપ્ટેમ્બરનો દિવસ ભારતીયો માટે માત્ર એક ઐતિહાસિક સ્મૃતિ નથી, પરંતુ એ “દિગ્વિજય”નો પ્રતિક છે – એવો દિવસ જ્યારે ભારતની આધ્યાત્મિક શક્તિએ આખી દુનિયાને જીતી હતી, તલવારથી નહીં પરંતુ વિચારોથી, નીતિ-સિદ્ધાંતો અને સર્વસમાવેશીતાથી. સ્વામી વિવેકાનંદનું શિકાગોનું ભાષણ એ સાબિત કરે છે કે સાચો વિજય હંમેશા માનવ હૃદયોને જીતવાથી મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel