તાજેતરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ખાદ્ય ચીજવસ્તુમાં થુકનારા અથવા તો પ્રવાહી ખાદ્ય ચીજવસ્તુમાં પેશાબ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર હવે ખાદ્યપદાર્થોમાં થૂંકનારા અથવા પેશાબ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે ખાદ્યપદાર્થોના સ્ટોલ પર થૂંકવાના કારણે પ્રદૂષણ અને છેતરપિંડીના મુદ્દાને રોકવા માટે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડનારાઓની આવી હરકતો સાંખી લેવામાં નહીં આવે.
યોગી આદિત્યનાથે સપ્ટેમ્બરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આવી કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને જાહેર વિશ્વાસનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે, ઓપરેટરો, માલિકો અને મેનેજરોનું નામ અને સરનામું તમામ ખાદ્ય સંસ્થાઓ પર ફરજિયાતપણે દર્શાવવું જોઈએ, જો તેમ ના થાય તો તેમને સજા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપી સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાવવા જઈ રહી છે, જેમાં જો ખાદ્ય પદાર્થોમાં આવા કૃત્ય કરતા જોવા મળશે તો ગુનેગારને કડક સજા કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઘણી ઘૃણાસ્પદ ઘટનાના વીડિયો બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૌથી તાજેતરની ઘટના સહારનપુરનો એક વાયરલ વીડિયો છે, જેમાં એક કિશોર રોટલી પર થૂંકતો જોવા મળ્યો હતો, જેના પગલે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
એ જ રીતે નોઈડામાં, બે લોકોની પેશાબ સાથે જ્યુસ દૂષિત કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ગાઝિયાબાદમાં ફળોના રસમાં થૂંકવા બદલ એક વિક્રેતાની ધરપકડ કરવામાં આવી હતી. તો ઉત્તરાખંડમાં જ ચામાં એક વ્યક્તિ થુંકતો હોવાનો પણ વીડિયો વાયરલ થયો હતો.
થૂંક જેહાદ પર ધામી સરકાર પણ એક્શનમાં
આ સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. ધામીએ કહ્યું કે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ કામ કરે છે, તેથી હવે થૂંક જેહાદને સાંખી લેવામાં આવશે નહીં. સીએમ ધામીએ કહ્યું છે કે ખાણીપીણીની દુકાનોમાં સીસીટીવી લગાવવા જોઈએ. તેમણે કહ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓની ચકાસણી પણ કરવી જોઈએ.
ભાજપ શાસિત બે રાજ્યોના મુખ્યમંત્રીઓએ ખાદ્યપદાર્થોમાં થૂંકનારા અને પેશાબ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. સોશિયલ મીડિયા પર થૂંકવા અને પેશાબ ભેળવવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે, જેના પછી સરકાર કડક બની છે.