સરદાર સાહેબના ભારતના રજવાડા એકીકરણમાં મહત્વની ભૂમિકા અને ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યની માહિતી મેળવતાં સોમન્ના
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત લેતાં કેન્દ્રીય રેલવે તથા જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્ના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત વિચારો અને પરિણામલક્ષી પ્રયાસોથી “વિકસિત ભારત ૨૦૪૭” નું વિઝન ઝડપથી સાકાર થઈ રહ્યું છે – મંત્રી સોમન્ના
ભારત સરકારના કેન્દ્રીય રેલવે તથા જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્ના એકતાનગરની તા.૦૯-૧૦ ઓક્ટોબર, ૨૦૨૫, બે દિવસીય મુલાકાત માટે પધાર્યા હતા. તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સોમન્નાએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવાંજલિ અર્પી હતી. પ્રતિમાને નિહાળતા તેમણે પ્રતિમાની વિશાળતા અને નિર્માણકાર્યની પ્રશંસા કરી હતી.
મંત્રી સોમન્નાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાત અંગે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું કે, “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” માત્ર એક સૂત્ર નથી, પરંતુ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેનો મૂળ મંત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત વિચારો અને પરિણામલક્ષી અમલ દ્વારા “વિકસિત ભારત ૨૦૪૭” નું વિઝન ઝડપથી સાકાર થતું જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર તેનું જીવંત ઉદાહરણ છે.
તેમણે ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને સરદાર સાહેબના દેશ માટે આપેલા અવિસ્મરણીય યોગદાન વિશે જાણવા મળ્યું છે, આ મારા જીવનનો એક યાદગાર અને પ્રેરણાદાયક ક્ષણ રહ્યો છે. હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું.
મંત્રીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ, વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા માટેના તેમના ઐતિહાસિક યોગદાન અંગે ગાઈડ પાસેથી વિસ્તૃત ઝીણવટભરી માહિતી મેળવી હતી.
નોંધનીય છે કે, મંત્રીએ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના પ્રાકૃતિક સૌંદર્યની મધ્યમાં સ્થિત ઇજનેરી કૌશલ્યના અદ્દભૂત નમૂનારૂપ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળરાશિના સંગ્રહ, કેનાલ નેટવર્ક અને સંગ્રહિત પાણીથી થઈ રહેલા લાભો વિષે માહિતગાર થયા હતા. તેઓએ રિવર બેડ પાવર હાઉસની પણ મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને તેનાથી ગુજરાત સહિત પાડોશી રાજ્યોને થઈ રહેલા લાભો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રી સૌમન્નાએ એકતાનગરના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના પ્રથમ દિવસે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સરદાર સાહેબના ભારતના એકીકરણમાં આપેલા યોગદાન અને પ્રતિમાના નિર્માણ વિશે માહિતી મેળવી દેશની યુવા પેઢીને એકતાંતણે જોડનાર આ ભવ્ય પ્રતિમાના નિર્માણકાર્ય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પર્યટકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી – ઓથોરિટી તરફથી મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેકટર પ્રોટોકોલ એન. એફ. વસાવા, નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ, વહીવટી તંત્ર-ઓથોરિટી, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom