વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં એક જ ઝટકામાં અનેક લોકો નદીમાં ખાબકી ગયા હતા. ઘટનાના દિવસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 13 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં બે નાનાં બાળકો પણ સામેલ હતા. ત્યારબાદ શુક્રવારેના ઓપરેશનમાં વધુ 5 મૃતદેહો મળી આવ્યા.
સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા પાંચ ઘાયલો પૈકી બોરસદ તાલુકાના દેહવન ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેઓ બ્રિજ તૂટી પડવાના સમયે તેમના મિત્ર ભૂપેન્દ્રભાઇ સાથે નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે ફરતા હતા. બ્રિજ તૂટી પડતાં બંને નદીમાં ખાબકી ગયા હતા. નરેન્દ્રસિંહે તરતી બોરી પકડી જીવ બચાવ્યો હતો અને એક વ્યક્તિએ તેમને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે સારવારમાં બેદરકારી રાખવામાં આવી, જેના કારણે મૃત્યુ થયું. તેમનું ચોક્કસ મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાય.
આ ઉપરાંત આજે વધુ એક મૃતદેહ પિલરની નીચે મળ્યો છે. 32 વર્ષીય સુખાભાઈ ભગવાનભાઈ વાગડિયા, રહેવાસી સરસવા ગામ (જિલ્લો પંચમહાલ), જે ટ્રક ચલાવતા હતા અને દુર્ઘટનાના સમયે પાણીમાં ગરકાવ થયા હતા, તેમનો મૃતદેહ મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હજુ સુધી એક વ્યક્તિ લાપતા છે અને ત્રણ ઘાયલો હજુ પણ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનામાં તંત્ર અને બચાવ દળ સતત કામગીરીમાં લાગેલા છે, પરંતુ ઘટના સામે તંત્રની વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઊભા થયા છે.