સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળીવાની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા.
નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રી, ગણદેવીના ધારાસભ્યશ્રી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જ નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ વેળાએ ઉપસ્થિત સૌએ સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અમલી પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીવાની સાથે “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.
આ પ્રસંગે પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, તા.૧૫ મી નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મદિન જનજાતિય ગૌરવ દિવસે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડ ખાતેથી પ્રારંભાયેલી “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર થકી લોકો સુધી પહોંચડવાનો છે અને તેનો લાભાન્વિત કરવાનો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશને વિકાસના પંથે અગ્રેસર કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વિકાશિલ દેશમાં છેવાડાનો કોઇ પણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તેવો સરકારનો સરાહનીય પ્રયાસ છે. આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ જઈને લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવાઓ આપી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા તેમણે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સરકારની વિવિધ યોજનાઓ આયુષમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાજ યોજના, નલ સે જલ સહિતની યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ લાભર્થીઓએ સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ સરકારશ્રીની ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે સંબંધિત વિભાગના કર્મયોગીઓએ ખેડૂતમિત્રોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.
તા. ૨૮મી નવેમ્બરના રોજ યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, જિલ્લા મહામંત્રી નીલભાઈ રાવ, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ધારીખેડા સુગર ફેક્ટરી તેમજ દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ, પ્રાંત અધિકાર કેતુલ ઇટાલિયા, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંબધિત અધિકારી- કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ- શૈશવ રાવ (નર્મદા)