ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કંગાળ છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે દેશના લાકોમાં આંશિકપણે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થયો છે. પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવો આસમાને પહોંચી ગયા છે, જેથી લોકોને રોજે-રોજ ખાવાના ફાંફા પડી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઘઉંના ભાવોમાં સતત વધારો અને વચનો પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. આ ક્ષેત્રમાં કડાકાની ઠંડી પડી રહી હોવા છતાં સતત આઠમા દિવસે પણ સરકારની વિરુદ્ધના દેખાવોમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે.
સરકારે ગઠબંધન, અવામી એક્શન કમિટી અને ગ્રાન્ડ જિરગાએ ઘઉંનો ભાવ રૂપિયા 3600 પ્રતિ બોરી નક્કી કર્યો છે અને આ પ્રમાણે લોકોને ઘઉં વેચવામાં આવી રહ્યા છે. તેમ છતાં, ડઝનો દેખાવકારો ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કાર્દૂમાં આવેલા વેચાણ કેન્દ્ર પર એકત્ર થયા હતા. સ્કાર્દૂ – પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) ક્ષેત્રની અંતર્ગત આવે છે.
આ દરમિયાન દેખાવકારોએ વિરોધ કરીને નવી કીંમતો પર આટો ખરીદવાનો ઈનકાર કરી દીધો છે. ઉપરાંત, કેટલાય લોકો વેચાણ કેન્દ્ર પરથી આટો ખરીદ્યા સિવાય જ ઘરે પરત જતા રહ્યા હતા.
લોકોએ ઘઉંના નવા ભાવ સ્વીકારવાનો ઈનકાર કરીને કહ્યું કે સરકાર ગરીબ વિરોધી નીતિઓ લઈને આવી છે અને ઘઉં અને આટો સંપૂર્ણપણે ગરીબોની ખરીદ શક્તિથી બહાર થઈ ગયો છે. લોકોએ સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારની જાહેરાતો ખોટી સાબિત થઈ છે. ઉપરાંત ઘઉં વગેરે પર નક્કી કરેલી સબ્સિડી આપવાના વચનનું પાલન કર્યું નથી. તેમજ પ્રતિ વ્યક્તિ સાત કિલો આટો આપવાની સરકારની જાહેરાતનો અમલ પણ થયો નથી. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, ઘઉંના ભાવ વધવાને લીધે લોકો પર આર્થિક ભારણ વધશે, જે વર્તમાનમાં કમરતોડ મોંઘવારીમાં સહન થાય તેમ નથી.
ઘઉંના વધી રહેલા ભાવના વિરોધમાં દેખાવ કરી રહેલા લોકોનું કહેવું છે કે, ‘‘તેમની સાથે સરકારે છેતરપિંડી કરી છે. જેના કારણે લોકો સ્વયંભૂ સરકારની વિરુદ્ધ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે મંત્રીઓનું અમે અમારી રીતે સ્વાગત કરીશું, કે જેના કારણે હવેથી ઘઉંના ભાવ વધારતા પહેલા સરકાર અને મંત્રીઓએ સો વખત વિચારશે.’’
દેખાવો કરી રહેલા લોકોએ સત્તાધારી પાર્ટીઓના કાર્યકરોને કહ્યું કે તમે પણ તમારી પાર્ટીના મંત્રીઓની વિરુદ્ધ દરેક ચોક પર વિરોધ પ્રદર્શન કરો અને સત્તા ઝૂંટવી લેનારાઓને ખુલ્લા પાડો. જો લોકો હવે પણ મૌન રહેશે તો ઘઉંની પ્રતિ બોરીનો ભાવ રૂપિયા 10 હજાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્ર કોષ(આઈએમએફ)થી એક બેલઆઉટ પેકેજ મળ્યું છે. આ 1958 પછી પાકિસ્તાનને મળેલું 23મું બેલઆઉટ પેકેજ છે. બેલઆઉટ પેકેજ અંતર્ગત આઈએમએફ સંબંધિત દેશને આર્થિક મદદ કરે છે અને એમાં કેટલીક શરતો હોય છે કે એ રકમ કયાં અને કેવી રીતે ખર્ચ કરવાની છે. પાકિસ્તાનમાં હાલ વચગાળાની સરકારની છે અને દેશમાં સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. આ દરમિયાન દેશમાં સર્વત્ર અનિશ્ચિતતાનો માહોલ છે. ઉપરાંત મોંઘવારી સતત વધી રહી છે. હજુ જાન્યુઆરીના આગામી સપ્તાહોમાં વીજળી અને ગેસના દર વધવાની છે, જેના કારણે લોકો પર આર્થિક ભારણ વધી શકે છે.